હાર્દિક પટેલના ભાષણની આ 11 વાતો, જેણે વધારી છે રાજ્ય સરકારની ચિંતા

Image result for હાર્દિક પટેલ
અનામતની માંગણીને લઈને આજે પાટીદારોએ અમદાવાદને સંપૂર્ણ બાનમાં લઈ લીધુ છે. આજે સવારથી જીએમડીસી મેદાન પર વિશાળ જનમેદની જોવા મળી. આંદોલનકારી નેતાઓના દાવા મુજબ આજે 18 લાખથી ઉપર પાટીદારો આ રેલીમાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી અનામતની માંગને ઉગ્ર સ્વરૂપ આપનાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલ આજે જ્યારે મંચ ઉપર એન્ટ્રી મારી અને ‘જય સરદાર’, ‘જય પાટીદાર’ના નારા લગાવ્યા તેનાથી લોકો હિલોળે ચડ્યા હતા. હાર્દિક પટેલે તેના આજના ભાષણમાં એવાં અનેક નિવેદનો ઉચ્ચાર્યાં જેનાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થઈ શકે છે. સરકારોએ પાટીદાન આંદોલન અંગે ગંભીરતાથી વિચાર્યા વગર છૂટકો નથી.

જુઓ વિડીઓ:- https://youtu.be/7Ifx3IM9_oI

1) પાટીદારોની માંગણી પૂરી નહીં થાય તો 2017માં કમળ નહીં ખીલે. આજના ભાષણમાં હાર્દિકે કહ્યું હતું કે રાજ્યમાં પાટીદારોની સંખ્યા 1.80 કરોડ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં પણ પાટીદારોનું સામ્રાજ્ય છે. કારણ કે આ દેશમાં 27 કરોડ પાટીદારો છે. ગુજરાતમાં ભલે 6 સાંસદો હોય, પણ દેશભરમાં કુલ 117 પાટીદાર સાંસદો છે. જે સરકાર પાટીદારોને ખુશ નહીં રાખે તેઓ સરકારમાં રહી શકશે નહીં. ગુજરાતમાં જો પાટીદારોની માંગ પૂરી નહીં થાય તો આગામી 2017ની ચૂંટણીઓમાં ભાજપનું કમળ ખીલી શકશે નહીં. આ માત્ર ધમકી નથી પરંતુ એક વાસ્તવિકતા પણ છે કારણ કે પટેલ મતોને અવગણી શકાય નહીં. અનામત નહીં મળે તો તેઓ આ પગલું ચોક્કસ લઈ શકે છે.

2) હાર્દિકે એમ પણ કહ્યું હતું કે જ્યારે યુવાનોને તેમના હક મળતા નથી ત્યારે નક્સલવાદ પેદા થાય છે અને આતંકવાદનો ઉદભવ થાય છે. હાલ આપણે જોઈએ છીએ કે દેશ માત્ર સરહદપાર આતંકવાદનો ભોગ નથી બની રહ્યું પરંતુ આંતરિક આતંકવાદનો પણ ભોગ બની રહ્યો છે. 

3) સરદારની મહાકાય મૂર્તિ બનાવનારાના મનમાં સરદારના વિચાર નથી, એવું સણસણતું નિવેદન પણ હાર્દિક પટેલે કર્યું હતું. મોદી સરકારે તાજેતરમાં જ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વિશાળ સરદારની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂક્વાની તૈયારી કરતી હતી. 

4) ભારતને આઝાદી મળી ત્યારે જ સરદારને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો આજે પટેલોએ અનામત લેવા માટે રસ્તા ઉપર આંદોલન ન કરવા પડત. 

5) ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં 6000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પોતાના ભાષણમાં હાર્દિક પટેલે કહી દીધું કે જો હવે ખેડૂતો આત્મહત્યા કરશે તો દેશે તેનું પરિણામ ભોગવવું પડશે.

6) અનામતના આ આંદોલનથી હાર્દિક પટેલ અને અન્ય નેતાઓ સરદારની છબી ખરડી રહ્યાં છે તેના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમણે સરદારની છબી નાની નહીં પરંતુ મોટી કરી છે.

7) ભ્રષ્ટાચાર માટે પણ હાર્દિક પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. તેણે કહ્યું હતું કે સરકારી નોકરીઓના ભાવ પહેલેથી નક્કી જ હોય છે. ચૂકવણી કર્યા વગર નોકરી મળતી નથી. મામૂલી ફિક્સ પગારમાં જો પાંચ વર્ષ નોકરી કરવાની હોય તો પણ તલાટી જેવી નોકરી માટેય 10 લાખ રૂપિયાનો ભાવ બોલાતો હોય છે. 

8) હાર્દિક પટેલે નરેન્દ્ર મોદી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતાં. તેણે કહ્યું હતું કે મોદી સાહેબ, અમને પણ સૌનો સાથ જોઈએ, સૌનો વિકાસ જોઈએ, અમે પણ રીત-રિવાજો, રાજનીતિ જાણીએ છીએ.

9) હાર્દિક પટેલે સરકારના વિરોધી એવા આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો કદાચ તેનાથી સરકાર ચોક્કસ વિચાર કરે. હાર્દિકે કહ્યું હતું કે તેણે અરવિંદ કેજરીવાલ પાસેથી પણ શીખ મેળવી છે અને અરવિંદ કેજરીવાલ જેવું કંઈક કરવા માગે છે. 

10) છેલ્લે પોતાનું ભાષણ પૂરું કરતા તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આવેદનપત્ર લેવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ નહીં આવે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર રહેશે. સરકાર માટે આ મામલો હવે ખૂબ કટોકટીભર્યો બની ગયો છે, જેને લઈને આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક પણ યોજાઈ ગઈ છે. જો હાર્દિકની ચીમકીને અવગણે તો પણ મુશ્કેલી અને સ્વીકારે તોપણ સમસ્યા, સરકારની હાલત એક તરફ કૂવો બીજી તરફ ખાઈ જેવી થઈ ગઈ છે. 

11) હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે મોદીએ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ શીખવાડ્યો છે જેનો તેઓ ઉપયોગ કરીને યુવાનોને માર્ગદર્શન આપશે. વધુમાં એમ પણ કહ્યું કે જો દેશની સુપ્રીમ કોર્ટ એક આતંકવાદી માટે અડધી રાતે ખુલી શકતી હોય તો દેશના યુવાનો માટે કેમ નહીં.

Comments