મોદીના ‘શાહ’ : 2012 સુધી ઇ-મેલ એકાઉન્ટ પણ નહોતું, આજે SOCIAL MEDIAમાં છવાયા!

નરેન્દ્ર મોદી સાથે અમિત શાહની 1989ની તસવીર, શાહ એ સમયે અમદાવાદ શહેર ભાજપના સેક્રેટરી બન્યા હતા

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો 22મી ઓક્ટોબરે- દશેરાના રોજ જ જન્મ દિવસ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાણક્ય ગણાય છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ અમિત શાહને સતાધારી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. અત્યારે અમિત શાહને પણ નરેન્દ્ર મોદીના ટેકનો ટચની અસર થઇ હોય એમ જણાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી જ અમિત શાહ સોશિયલ મીડિયા પર આવ્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે અમિત શાહે કરેલી એફિડેવિટમાં તેમણે માહિતી આપી હતી કે, તેમનું કોઇ ઇ-મેલ એકાઉન્ટ નથી. આજે અમિત શાહનું ફેસબુક એકાઉન્ટ છે, ટ્વીટર છે, પોતાની વેબસાઇટ છે. તેઓ બ્લોગ પણ લખે છે. અમિત શાહનું ટ્વીટર એકાઉન્ટ મે, 2013માં શરૂ થયું હતું અને આજે 13 લાખ ફોલોઅર્સ છે. 2013ના મે મહિનામાં બનેલું ફેસબુક પેજ અત્યાર સુધી 30 લાખથી વધુ લોકોએ લાઇક કર્યું
છે. 2014ની પાંચમી નવેમ્બરે વેબસાઇટ બની હતી. Divyabhaskar.com દ્વારા અમિત ભાઇ શાહ સાથે આ બાબતે વાત કરવા સંપર્ક કરવામાં આવ્યો હતો પણ વાત થઇ શકી નહોતી.
સોહરાબુદ્દિન કેસમાં જામીન પર મુક્તિ બાદ નારણપુરામાં નિવાસસ્થાને પોતાના સ્વાગત માટે ઊમટેલી મેદનીને સંબોધતા શાહે શાયરાના અંદાજમાં ગર્ભિ‌ત સંદેશ સાથે કહ્યું હતું, 'મારી ઓટ જોઈ કોઈ કિનારે ઘર ન બાંધે, હું સમંદર છું, પાછો આવીશ.’ આજે અમિત શાહે ખરેખર એ મરીઝના એ શેરને સાચો સાબિત કરી બતાવ્યો છે. આજે નરેન્દ્ર મોદીના સારથિ છે અમિત શાહ. અત્યારે અમિત શાહની નજર બિહાર પરિણામો પર છે. અમિત અનિલચંદ્ર શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક અને ચુસ્ત વિશ્ર્વાસુ છે. બંનેએ એકબીજાના સારા નરસા દિવસોમાં પડછાયો બનીને સાથ નિભાવ્યો હતો.

Comments