મોદી માટે લંડનમાં ભાઈબીજે દિવાળી : યુરોપ-ઇન્ડિયા ફોરમ કરશે આતશબાજી

PM માદીનો ફાઈલ ફોટો મોદીનો બ્રિટન પ્રવાસ : 13 નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં શો થશે

લંડનથી અવનીશ જૈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 નવેમ્બરે લંડન જઇ રહ્યા છે. ભાઈબીજ એટલે કે 13 નવેમ્બરે તેઓ ભારતવંશીઓ વચ્ચે રહેશે. વેમ્બલી સ્ટેડિયમમાં તેમનો રોક શો છે. લંડનમાં તેને વર્ષનો સૌથી મોટો શો ગણાવાઇ રહ્યો છે.

 90 હજારની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 70 હજાર કરતાં વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.મોદીના આ શોનું દુનિયાભરમાં જીવંત પ્રસારણ પણ થશે, જેને કરોડો લોકો જોશે. આયોજક યુરોપ-ઇન્ડિયા ફોરમ આ દિવસે દિવાળી ઉજવશે. દાવો કરાયો છે કે કાર્યક્રમના અંતે એવી આતશબાજી થશે જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. યુરોપ ઇન્ડિયા ફોરમના પ્રમુખ નાથ પુરીએ જણાવ્યું હતું કે મોદીના શોને ઐતિહાસિક બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આખા બ્રિટનમાં ભારતીયોના 650 નાનાં-મોટાં સંગઠનોને ઇવેન્ટ પાર્ટનર બનાવાયાં છે. બ્રિટનમાં રહેનારા દરેક ભારતીયને આ શો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મોદી દિવાળીના દિવસે એટલે કે 11 નવેમ્બરે લંડન પહોંચશે અને 14 નવેમ્બર સુધી અહીં રહેશે. લંડનના ઓલિમ્પિક સાઇઝના વેમ્બલી સ્ટેડિયમમાં 13 નવેમ્બરે આ શો થશે. શોની થીમ છે-‘ ટુ ગ્રેટ નેશન, વન ગ્લોરિયસ ફ્યૂચર’. મોદીના ભાષણ પહેલા એ.આર.રહેમાનનો શો થશે. આયોજકોના અનુસાર કાર્યક્રમ માટે કોઇ ટિકિટ રાખવામાં આવી નથી.

રજિસ્ટ્રેશન બાદ લોટરી કઢાશે અને તે આધારે જ લોકોને નિમંત્રણ પત્ર મોકલાશે. લોકોને લાવવાની જવાબદારી પાર્ટનર સંગઠનોને સોંપવામાં આવી છે. રેલીનો  ખર્ચ પણ આ ડોનેશન મારફત જ કરાશે. ભારતીય સંગઠનોના કન્ફેડરેશનના પ્રમુખ પ્રવીણ અમીનના અનુસાર લંડનમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાની વાતને ધ્યાનમાં લેતા 13 નવેમ્બરે વિશેષ મોદી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવવામાં આવશે જેથી લોકોને તકલીફ ના થાય.
 
 લેબર પાર્ટીના સાંસદ કીથ વાઝ, વીરેન્દ્ર શર્મા અને સીમા મલ્હોત્રાએ પોતાના પગારનો એક ભાગ રેલીના ખર્ચ માટે આપ્યો છે. અમીનના અનુસાર વેમ્બલી સ્ટેડિયમમાં અત્યાર સુધી કોઇ રાજકીય રેલી નથી થઇ. અહીં તો રોક કોન્સર્ટ થાય છે, કે પછી ચેમ્પિયન્સ લીગની મેચ રમાય છે. તેમના અનુસાર પાછલાં 10-12 વર્ષમાં કોઇ વિદેશી તો ઠીક બ્રિટિશ નેતાની પણ આટલી મોટી મીટિંગ નથી થઇ. કીથ વાઝના અનુસાર સંસદના સ્પીકર સાથે વાત થઇ હતી કે મોદીનો એક કાર્યક્રમ બ્રિટિશ સાંસદોને સંબોધિત કરવાનો પણ રાખવામાં આવે. તે મુદ્દે ભારત સરકાર તરફથી લીલી ઝંડીની રાહ જોવાઇ રહી છે. મોદી બિહાર ચૂંટણીના ઠીક બાદ લંડન પ્રવાસે આવી રહ્યા છે. તેની અસર તેમના પ્રવાસ પર પણ દેખાશે. કિંગ્સ કોલેજના પ્રોફેસર રુદ્ર ચૌધરીના અનુસાર મોદી જો ત્યાં પણ જીતી જશે તો તેઓ વર્લ્ડમાં એક મજબૂત નેતા તરીકે સામે આવશે. જો હારશે તો આ મીટિંગ મારફત લોકોમાં ફરીવાર વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરશે. તેમના અનુસાર વેમ્બલીમાં આ જોવું સૌથી વધારે રસપ્રદ રહેશે.

Comments