સરકારે કોર્ટમાં કહ્યું હાર્દિકની વાત ખોટી: અપહરણ નહોતું, જાતે જ ગુમ થયો હતો

-સરકારે કોર્ટમાં કહ્યું હાર્દિકની વાત ખોટી
-એડ્વોકેટ જનરલે સોગંદનામું રજૂ કર્યું, અપહરણ નહોતું, જાતે જ ગુમ થયો હતો
હાઈકોર્ટમાં હાજર રહેલ હાર્દિક પટેલ
અમદાવાદ : હાર્દિક પટેલ અંગેની હેબિયસ કોર્પસ રિટની ગુરુવારે સુનાવણી દરમિયાન ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે  હાર્દિકનું અપહરણ થયું જ ન હોવાની રજૂઆત કરી હતી. કેસના અરજદાર દિનેશ બાંભણિયા અને અન્યો સાથે બનાવની રાતથી સવારે મળી આવ્યો ત્યાં સુધી હાર્દિક સતત સંપર્કમાં હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. બીજી તરફ  હાઇકોર્ટે આ કેસમાં અરજદારને 19મી સુધીમાં વધુ એફિડેવિટ કરવા આદેશ આપી વધુ સુનાવણી 21 ઓક્ટોબર પર મુલતવી રાખી છે.

તેનપુરથી 22 સપ્ટેમ્બરે હાર્દિક ગુમ થતાં હેબીયસ કોર્પસ રિટ દાખલ કરાઈ હતી. આ કેસમાં ગુરુવારે રાજ્ય સરકાર તરફે એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એફિડેવિટ રજૂ કરી હતી, જેમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે, હાર્દિકનું અપહરણ જ નહોતું થયું. પોલીસ નહીં કોઈએ પણ તેનું અપહરણ કરાયું નહોતું. આ પિટિશન પણ કોઈ ગર્ભિત ભયને કારણે દાખલ નહોતી કરાઈ.

હાર્દિકનો સંપર્ક ન કરી શકતા હોવાની અરજદારોની હકીકત પણ સત્યથી વેગળી છે. ખુદ અરજદાર અને કેટલાક ટેકેદારો સંપર્કમાં જ હતા. તેણે સરકારી તંત્ર અને હાઈકોર્ટને મુંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધા હતા. સમાજમાં શાંતિ ડહોળવા અને સેન્શેસન પેદા કરવા માટે જ અરજદારે જાણી જોઈને અપહરણની વાત ઉપજાવી કાઢી હતી. તેનપુર ગામની શ્રદ્ધાંજલી સભામાં હાર્દિકનું ભાષણ ખૂબ જ ઉશ્કેરણી ફેલાવે તેવું હતું. અરજદાર અને તેના ટેકેદારોએ મીડિયા સમક્ષ હાર્દિકના અપહરણ વિશે ખોટી હકીકત ફેલાવી હતી. માત્ર લોકોનું ધ્યાન આકર્ષવા અને જાહેર શાંતિ ડહોળવા માટે જ આ પ્રયાસ કરાયો હતો. લોકોમાં ભય અને આતંકનો માહોલ સર્જવા માટે જ આ પ્રયાસ કરાયો હતો.

દરમિયાન જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ કે. જે. ઠાકરની ખંડપીઠે એફિડેવિટથી સંતોષ ન હોવાનું અરજદારને કહ્યું હતું. વધુમાં, હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરતાં જે રીતની ત્વરિતતા દર્શાવાવી હતી તે માટે તેમણે યોગ્ય એફિડેવિટ રજૂ કરવી જોઈએ, તેમ પણ કહ્યું હતું. અરજદારે એફિડેવિટમાં લખેલા ‘કેસને લોજીકલ એન્ડ તરફ લઈ જવાના’ શબ્દો અંગે પૃચ્છા કરી હતી કે, તમે શું કરવા ઇચ્છો છો?.

હાર્દિક હાઇકોર્ટમાં હાજર રહ્યો

હાઇકોર્ટે ગત મુદતે હાર્દિકને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી અને સ્વેચ્છાએ હાજર રહી શકે છે તેમ ઠેરવ્યું હતું. જોકે હાર્દિક ગુરુવારે પણ ટેકેદારો સાથે હાઇકોર્ટ સમક્ષ હાજર રહેતાં સવારથી જ પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. કોર્ટરૂમમાં પ્રવેશ માટે પણ પોલીસના સંપૂર્ણ ચેકિંગમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ હતી.

Comments