ચાણસ્મા: ગાડી પર બે હાથ જોડી લોકો સામે આવ્યો હાર્દિક, પાટીદારોએ બેસાડ્યો ખભે

-શહીદોએ દેશની આઝાદી મેળવી તે રીતે આપણે અનામત લઇશું
-આપણુ આંદોલન હજુ ચાલુ છે, લડત પુરી થઇ નથી
 
ચાણસ્મા: ગાડી પર બે હાથ જોડી લોકો સામે આવ્યો હાર્દિક, પાટીદારોએ બેસાડ્યો ખભેચાણસ્મા:પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ભાજપ સરકારની ઉંઘ હરામ કરનાર હાર્દિક પટેલે આંદોલનને વેગ આપવાના ભાગરૂપે સોમવારે રાત્રે  પ્રથમવાર પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યો હતો અને ચાણસ્મામાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી અનામત માટેનું આંદોલન અને તે માટેની લડત ચાલુ જ રહેશે તેમ ફરી એકવાર હુંકાર કર્યો હતો. જોકે તે પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે પણ આવવાનો હતો પણ તે કાર્યક્રમ રદ કરી ચાણસ્માથી સીધો જ ચાલી ગયો હતો.
 
ચાણસ્મામાં સોમવાર રાત્રે 9:10 કલાકે પાટીદાર નેતા હાર્દિક પટેલે ટૂંકી મુલાકાત લઇ અનામત આંદોલનને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સરદાર ચોકમાં ગાડી પર બે હાથ જોડીને લોકો સામે આવ્યો હતો અને હાજર પાટીદારોનું અભિવાદન કરી જય સરદારનો જયઘોષ કર્યો હતો. પાટીદારોએ હાર્દિકને ખભે બેસાડી દીધો હતો તે દરમિયાન જય સરદારના જયજયકારથી ચોક ગુજી ઉઠ્યો હતો. હાર્દિકે સરદાર પટેલની પ્રતિમાને નમન કરી માલ્યાર્પણ કર્યું હતુ.
 
અને મેદની સમક્ષ આવીને ટૂંકુ આક્રમક ભાષણ આપ્યું હતું. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે આઝાદી માટે શહાદત વહોરી લીધી હતી તેજ રીતે પાટીદાર સાત યુવાનોએ અનામત માટે શહાદત વહોરી છે. તેમના બલીદાનને આપણે એળે જવા દઇશું નહીં. તે માટે આપણે સૌ કટીબધ્ધ થઇ શું આપણી સૌની સરકાર પાસે એકજ માંગણી છે કાંતો અનામત આપો કાંતો રદ કરો. ચાણસ્મા શહેર પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમા આજુબાજુના રામગઢ ,મીઠીવાવડી તેમજ અન્ય ગામોના અંદાજે એક હજાર જેટલા લોકો પણ હાજર રહ્યા હતા. 
 
જોકે સભા કરવાની કે લાઉડસ્પીકર વગાડવાની મંજુરી ન હોઇ માત્ર ગાડી પરથી ટૂંકુ પ્રવચન કરી હાર્દિક રવાના થઇ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે હાજર નહોતી પણ  ખાનગી વેશમા વીડીઓગ્રાફી કરી હતી. હાર્દિક ત્યાંથી પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે જવાનો હતો પણ કોઇ કારણસર તે કાર્યક્રમ રદ કરીને પરત થઇ ગયો હતો તેમ ગામના અગ્રણી ડી.કે.પટેલે જણાવ્યુ હતું.

Comments