પરપુરુષ સાથે એક રાતનો સંબંધ માફ કરાય, પરંતુ કાયમનો હોય તો વ્યભિચાર

પત્નીને ભરણપોષણ નહીં આપવાના નીચલી કોર્ટના ઓર્ડરને હાઈકોર્ટની માન્યતા

આ કેસમાં મહિલા ગર્ભવતી હતી ત્યારે પણ પ્રેમી સાથે શારીરિક સંબંધો ધરાવતી હતી

આ કેસમાં મહિલા ગર્ભવતી હતી ત્યારે પણ પ્રેમી સાથે શારીરિક સંબંધો ધરાવતી હતી જે માફ કરવાનો કોર્ટનો ઈનકારઃ બાળક માટે ભરણપોષણ માંગી શકશે

કોર્પોરેટ વલ્ડમાં પતિ કે પત્નીના લગ્ન બાહ્યેતર સંબંધો વધતા જાય છે અને જીવનસાથીને પણ આ મુદ્દે એકબીજા પરની શંકાઓ વધતી જાય છે. એવી સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટમાં અનેકવાર પ્રેમી સાથે શારિરીક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરનાર મહિલાએ પતિ પાસે ભરણપોષણ અપાવવાની માંગ કરતી પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનને ફગાવતા જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નીચલી કોર્ટના એવા અવલોકનને માન્ય ઠેરવ્યું હતું કે કોઈ સંજોગાવસાત પૂર્વ ઈરાદા વગર એક રાત માટે કોઈની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયો હોય તો કોર્ટ તેને માફ કરી શકે પરંતુ જયારે કોઈ પણ વ્યક્તિનો જીવનસાથી સિવાયની અન્ય વ્યકિત સાથેનો શારીરિક સંબંધ ઈરાદા પૂર્વકનો હોય અને આદત બની ચુકયો હોય ત્યારે તેને માફ કરી શકાય નહીં અને કોર્ટ આવી પત્નીને ભરણપોષણ આપવાનો પતિને આદેશ આપી શકે નહીં.
આ કેસમાં પત્ની તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે પ્રેમી સાથેનો શારિરીક સંબંધ તેની ભૂલ હતી. આ ભૂલને માફ કરી દેવી જોઈએ અને પતિને ભરણપોષણ આપવા માટેનો કોર્ટે ઓર્ડર કરવો જોઈએ. આ દલીલના જવાબમાં હાઈકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું હતું કે વ્યાભીચારનો અર્થ સતત આચરાતો વ્યાભીચાર થાય અને તેને કોઈ એક ભુલ ગણવી જોઈએ નહીં. આ મુદ્દે સિદ્ધપુર જયુડિશ્યલ મેજિસ્ટ્રેટના હુકમને માન્ય કરતો હુકમ પાટણ સેશન્સ જજે કર્યો હતો. આ હુકમને હાઈકોર્ટે પણ માન્ય કર્યો છે.
આ ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે કયારેક બે યુવાઓ વચ્ચે અજાણતા કોઈ પણ ઈરાદા વગર એવી સ્થિતિ પેદા થઈ જાય છે કે તેઓ વચ્ચે ઘનિષ્ટ આત્મીયતા બંધાય જાય છે. પરંતુ પતિ કે પત્ની દ્વારા અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધનું કૃત્ય પૂર્વ નિર્ધારીત હોય તો ત એક કિસ્સા માટે પણ હોય તો તેને ભુલ નહીં પરંતુ વ્યાભીચાર ગણાય. આ મહિલા દ્વારા જે જયારે ગર્ભવતી હતી ત્યારે પણ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો જે સ્પષ્ટપણે બતાવે છે કે આ કૃત્ય ભુલનું નહીં પરંતુ વ્યાભીચારનું છે.
આ કિસ્સામાં બાળકને કોર્ટે મહિને ૧૦૦૦ રૃપિયાનું ભરણપોષણ આપવાનું ઠેરવ્યું છે અને તેની રકમ સમયે-સમયે વધારવા માટે કોર્ટમાં અરજી કરવાની પણ પત્નીને પરવાનગી આપી છે.

Comments