નિર્ધન પરિવારની હૃદયદ્રાવક વ્યથા, બાળક જન્મ્યું, પણ હોસ્પિટલેથી ઘરે પહોંચ્યું નહીં

ગરીબી નિર્મૂલન માટે સરકાર અનેક સામાજિક યોજના ઘડે છે. પરંતુ આ યોજના સમાજના અંતિમ સ્તરના લોકો સુધી પહોંચતી નથી. આર્થિક સહાય યોજના હેઠળ 100 રૃપિયા મંજૂર થયા હોય તો  લાભાર્થીના હાથમાં માત્ર રૃપિયો આવે છે. વર્ધાના પાથરી ગામનો કિસ્સો દારૃણ ગરીબીનો ચિતાર આપે છે. ગામના એક કુટુંબમાં બાળક જન્મ્યું, પરંતુ તે હજી સુધી હોસ્પિટલથી ઘરે નથી પહોંચ્યું. કારણ છે આર્થિક હાલાકી અને ઉપચાર માટે નાણાંનો દુકાળ. ઘરમાં ખાવાના સાંસા હોય તો બાળકને હોસ્પિટલેથી ઘરે લાવીને શું કરીએ? એટલે બાળકને ઘરે લાવ્યા જ નહીં, એમ ગવઇ કુટુંબના બાપુરાવ જણાવે છે.

પાથરી  ગામમાં બાપુરાવ તેમની દીકરી અને દોહિત્રી (દીકરીની દીકરી) સાથે રહે છે. ઘરમાં વ્યક્તિ ચાર અને કમાનાર એક. આવી હાલતમાં દરેકને પેટભરી ખાવાનું મળવાના પણ વાંધા. તેવામાં ગવઇની દોહિત્રીને બાળક જન્મ્યું.  ગામવાસીઓએે માનવતા દેખાડી ફાળો ઉઘરાવી સુવાવડનો ખર્ચ કર્યો. માત્ર, ઘરમાં ચક્કી અવળો આંટો લેતી હોવાથી શિશુ જનેતાથી દૂર દવાખાનામાં ડોકટરોના નિરીક્ષણ હેઠળ ઉછરી રહ્યું છે.

15થી વધુ દિવસ વીતવા છતાં બાળકને લેવા કોઇ આવ્યું નહીં ત્યારે ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલના કર્મચારીઓ કુટુંબની પરિસ્થિતિ જોવા ગયા હતા. અને હકીકતની જાણ થઇ હતી. પગલીનો પાડનાર રાંદલમાએ આપ્યો તો ખરો પણ બાળકને પારણે ઝુલાવી હાલરડાં ગાઇ સુવાડવા વલખતી માતાને નિર્ધનતા ચોધાર આંસુ પડાવે છે.

ઘર માટે 35 હજાર મંજૂર પણ હાથમાં આવ્યા માત્ર પાંચ હજાર રૃપિયા
ગવઇ કુટુંબ પાસે રહેવા પાક્કું ઘર નથી. કેટલાક વર્ષ પૂર્વે હાઉસિંગ યોજના હેઠળ ઘર મંજૂર થયું હતું. પરંતુ તે યોજનાનો પણ લાભ મળી શક્યો નહીં. ઘર માટે 35 હજાર રૃપિયાની ગ્રાન્ટ મંજૂર થઇ હોવાનું કહેવાય છે, પણ હાથમાં આવ્યા માત્ર પાંચ હજાર રૃપિયા. નિરાધારોને મળતી સહાય પણ કેટલાક મહિનાથી મળી નથી.

Comments