બિહારની ચૂંટણી પર હવે સમગ્ર દેશની નજર કેમ ? (ચીની કમ)

ચીનીકમ
બિહારમાં 'જંગલરાજ-૨', સુશાસન કે વિકાસના મુદ્દા પર મતદાન થશે ?
બિહારની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ પાસે કોઈ સ્થાનિક મજબૂત ચહેરો ના હોઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે એનડીએ મેદાનમાં ઊતર્યું છે. તેની સામે લાલુ-નીતીશ વગેરેનું મહાગઠબંધન નીતીશકુમારના ચહેરા સાથે મેદાનમાં છે. આ ચૂંટણી ભલે વિધાનસભાની છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએને પોતાનો ચહેરો આપ્યો હોઈ વડા પ્રધાને પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. આડકતરી રીતે આ ચૂંટણીનાં પરિણામો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું મૂલ્યાંકન પણ હશે.
લાલુ ફેક્ટર
આ ચૂંટણીમાં અગાઉ મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ નીતીશકુમારની સાથે છે. કેટલાક સમય પહેલાં તેઓ બંને એકબીજાની સામે હતા. આજે ભાજપ સામે મતો વહેંચાઈ ના જાય તે માટે એક થયા છે. જાહેર સભાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લેઆમ પબ્લિકને પૂછે છે : "શું તમારે જંગલરાજ-૨ જોઈએ છે ?"
આ ઇશારો લાલુ યાદવ પ્રત્યે જ છે. બિહારમાં કેટલાક લોકો માને છે કે, નીતીશકુમારે બિહારમાં ઘણું કામ કર્યું છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવને સાથે રાખીને ઘણી મોટી ભૂલ કરી છે. કેટલાક લોકો કહે છે કે, બિહારમાં લાલુ પ્રસાદ યાદવના શાસન દરમિયાન શેરીઓમાં ગુંડાઓનું રાજ હતું. ગામડાંઓમાં નાનાં નાનાં બાળકોનાં અપહરણ થતાં હતાં. પંદર વર્ષના શાસન દરમિયાન લાલુએ જંગલરાજ સિવાય બીજું કાંઈ કર્યું નથી. લાલુ ફરી આવી જશે તો બિહારમાં ભયજનક પરિસ્થિતિ પેદા થશે એવો ડર લોકોને સતાવી રહ્યો છે.
દોસ્ત પછી દુશ્મન અને તે પછી સાથી બનેલા લાલુ-નીતીશકુમાર ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પણ તેમની સાથે છે. બિહારમાં વિધાનસભાની કુલ ૨૪૩ જેટલી બેઠકો છે. તા. ૧૨ ઓક્ટોબરથી શરૂ થનારી ચૂંટણી તા. ૫મી નવેમ્બરે પાંચ તબક્કામાં પૂરી થશે. પરિણામો તા. ૮મી નવેમ્બરે આવશે. બિહારની આ ચૂંટણીમાં લોકો કહી રહ્યા છે કે, "અમે નીતીશકુમાર પાછા સત્તા પર આવે તેમ ઇચ્છીએ છીએ, પણ લાલુ નહીં." એક સ્થાનિક તબીબ કહે છે કે, બિહારમાં જ્યારે લાલુ પ્રસાદ મુખ્યમંત્રી હતા ત્યારે મારે મારું ક્લિનિક સાંજે છ વાગે બંધ કરી દેવું પડતું હતું. લાલુ-રાબડીદેવીના શાસન દરમિયાન લોકો રાત્રે ઘરની બહાર પગ મૂકતાં પણ ડરતા હતા. ૧૯૯૦થી ૨૦૦૫ સુધી લાલુ-રાબડીદેવીનું રાજ હતું. એ વખતે ધોળા દિવસે બજારોમાં બોમ્બ ફૂટતા હતા. ગુંડાઓ વેપારીઓના અપહરણ પણ કરતા, પૈસા પડાવતા હતા.
નીતીશ ફેક્ટર
એ જ તબીબ હવે કહે છે : "હવે હું મારું ક્લિનિક મોડી રાત સુધી ખુલ્લું રાખી શકું છું. લાલુના શાસનમાં રાત્રે વીજળી જ નહોતી. હવે એવું નથી. નીતીશકુમારના આવ્યા બાદ હવે રસ્તા પણ સુધર્યા છે."
બિહારમાં નીતીશકુમારની છબી એક સ્વચ્છ રાજકારણી તરીકેની છે. તેઓ આકરા શબ્દોનો પ્રયોગ ભાગ્યે જ કરે છે. એની સાથેસાથે નીતીશકુમાર તેમના વિચારોમાં અને નિર્ણયોમાં મક્કમ છે. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાવી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ નક્કી કર્યું ત્યારે વર્ષો જૂના એનડીએ સાથેના ગઠબંધનમાંથી તેમણે બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. પટણામાં ભાજપના નેતાઓને જમવા માટે તેમણે આપેલું નિમંત્રણ તેમણે જ રદ કરી દીધું હતું. ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે એક તબક્કે જેઓ ભારતના વડા પ્રધાનપદની રેસમાં હતા તેમાં તેમનું નામ પણ બોલાતું હતું. અટલજી સાથે તેમના નિકટના સંબંધો રહ્યા છે. બિહારની ચૂંટણીની વૈતરણી નીતીશકુમારે પોતાની તાકાતે પાર કરવી રહી. લાલુ તેમના માટે ફાયદો કરાવે છે કે નુકસાન તે સમય જ કહેશે.
મુલાયમ ફેક્ટર
લાલુ પ્રસાદના વેવાઈ અગાઉ લાલુ-નીતીશકુમારના મહાગઠબંધનમાં જોડાયા હતા, પરંતુ ગઠબંધને તેમને પાંચ જ બેઠકો ઓફર કરતાં મુલાયમસિંહ એ ગઠબંધનથી અલગ થઈ ગયા છે અને તેમની સમાજવાદી પાર્ટીએ શરદ પવારની એનસીપી સાથે જોડાણ કરીને અલગ ચોકો ઊભો કર્યો છે. આ ચૂંટણીમાં તેમનો તો બહુ ગજ વાગશે નહીં, પરંતુ કેટલીક બેઠકો પર તેઓ લાલુ-નીતીશને નુકસાન પહોંચાડી શકે છે.
માંઝી-પાસવાન
બિહારના બે દલિત આગેવાનો રામવિલાસ પાસવાન અને જીતનરામ માંઝી એનડીએ સાથે છે. જીતનરામ માંઝી મહાદલિત નેતા તરીકે ઓળખાય છે. રામવિલાસ પાસવાન અને તેમના પુત્રએ ટિકિટોની વહેંચણીમાં ભાઈ-ભત્રીજાવાદ અપનાવ્યો હોવાનો આક્ષેપ થયો છે, છતાં માંઝી અને પાસવાન એનડીએ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઓવૈસી ફેક્ટર
ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુદ મુસ્લિમીનના નેતા અસદુરીન ઓવૈસી મુસલમાનોના નવા સ્ટાર લીડર તરીકે ઊપસી રહ્યા છે. તેઓ ઇંગ્લેન્ડથી ભણીને આવેલા બોલકા નેતા છે. ઊર્દુ અને અંગ્રેજી એમ બંને ભાષાઓ અસ્ખલિત પ્રવાહમાં બોલી શકે છે. તેમની દલીલોમાં ચાલાકી અને તર્ક પણ હોય છે. બહારથી તેઓ ભાજપના વિરોધી લાગે છે, પરંતુ બિહારના સીમાંચલ વિસ્તારની ૨૪ બેઠકો પર તેમના પક્ષ તરફથી ઉમેદવારો ઊભા રાખવાના છે. આ કારણે દેખીતી રીતે જ જે મુસ્લિમ મતો લાલુ-નીતીશના મહાગઠબંધનને મળવાના હતા તે હવે ઓવૈસીની પાર્ટીને મળશે. ઓવૈસીના કેટલા ઉમેદવારો જીતશે તે કહી શકાય નહીં, પરંતુ તેઓ આડકતરી રીતે એનડીએને મદદ કરશે. આ કારણે કેટલાકે તેમને ભાજપના એજન્ટ કહ્યા છે, પરંતુ તેની સામે ઓવૈસીની દલીલ છે કે, ઝારખંડ, હરિયાણા કે રાજસ્થાનમાં ભાજપ જીત્યું તે શું મારા કારણે જીત્યું હતું ? લાગે છે કે, ઓવૈસી એક લાંબી રાજકીય ગેમ ખેલી રહ્યા છે.
મોહન ભાગવત
બિહારની ચૂંટણીની પૂર્વસંધ્યાએ સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, દેશમાં અનામત નીતિની પુનઃ સમીક્ષા થવી જોઈએ અને આર્થિક આધાર પર જ અનામત હોવી જોઈએ." ભાગવતનું આ બયાન એનડીએને નુકસાન પહોંચાડી શકે છે.

Comments