સુરત:સામાન્ય બબાલમાં બે મિત્રોની હત્યા, બંને હતા પરિવારના એકના એક પુત્ર

સુરતઃ- ગોપીપુરા કાજીના મેદાનમાં રવિવારની મધરાત્રે કેટલાક હુમલાખોરોએ બે મિત્રોને ચપ્પુના ઉપરા ઉપરી અનેક ઘા મારી પતાવી દેતા ખળભળાટ મચી ગયો છે. વેસુ-ઇસ્કોન મોલથી સિટીલાઇટ વચ્ચે થયેલી બાઇક રેસની હાર-જીતમાં બંને યુવાનોની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. જયારે આ હુમલામાં મોતને ભેટેલા બે પેકી એક પોલીસ કોન્સ્ટેબલનો ભત્રીજો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો બીજી બાજુ સોહેલ અને ફૈયાઝનો હત્યામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાના આરોપી નવાઝને અઠવા પોલીસે પકડી પાડયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
 
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, રવિવારની મધરાત્રે નવાઝ અને સોહેલ વચ્ચે વેસુ-ઇસ્કોન મોલથી સિટી લાઇટ સુધીની બાઇક રેસ લાગી હતી. જેમાં રેસ પૂર્ણ થયા બાદ બંને મિત્રો વચ્ચે સિટીલાઇટ ઉપર ઉગ્ર બોલાચાલી થઇ હતી. એકની હાર અને બીજાની જીત આ ઝઘડાનું કારણ બન્યું હતું. જેને લઇ ભારે હોબાળો થયો હતો. જાહેર રોડ ઉપર થયેલા આ ઝઘડા બાદ વાત તૂતૂ મેમે સુધી પહોંચી ગઇ હતી. પરંતુ લોકોએ મધ્યસ્થી કરતાં બંને બાઇકર્સને છૂટા પાડી ઘર ભેગા કરવામાં આવ્યા હતા. જેની અદાવત રાખી નવાઝ પોતાના મિત્રોને લઇ ગોપીપુરા કાજીના મેદાને પહોંચી ગયો હતો. જયાં રોડ ઉપર દેખાયેલા સોહેલ પર નવાઝ અને તેના મિત્રો તૂટી પડ્યા હતા. સોહેલને માર ખાતા જોઇ તેનો મિત્ર ફૈયાઝ બચાવવા આવ્યો હતો. જેને પણ હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીંકી જમીન ઉપર પાડી દીધો હતો.
 
મધરાત્રે થયેલા આ હુમલા બાદ બંને મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં બંનેને તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ હુમલાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ડબલ હત્યા કેસમાં નવાઝ પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જયારે તેના હત્યારા ફરાર મિત્રોને પોલીસ શોધી રહી છે. બાઇક રેસની લડાઇમાં મોતને ભેટેલા બે પૈકી સોહેલ પોલીસ કોન્સ્ટેબલનો ભત્રીજો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Comments