અમેરિકામાં પટેલ મહિલાના સ્ટોરમાં લૂંટ: અજ્ઞાત બુકાનધારીઓનું કારસ્તાન

અમેરિકામાં પટેલ મહિલાના સ્ટોરમાં લૂંટ: અજ્ઞાત બુકાનધારીઓનું કારસ્તાન-  અજ્ઞાત બુકાનધારી લુટારાઓ રોકડ રકમ લઇને નાસી છૂટ્યા

વોશિંગ્ટન : અમેરિકાના વર્જિનિયામાં ત્રણ અજ્ઞાત બુકાનધારીઓએ બંદૂકની અણીએ ગુજરાતી મહિલા સરલા પટેલના સ્ટોરમાં મંગળવારે લૂંટ કરી છે. કાળાં વસ્ત્રો પહેરેલા ત્રણે બુકાનધારીઓ સરલા પટેલના મેડિસન હાઇટમાં આવેલા  ડુડ્રોપ સ્ટોરમાં ઘૂસીને રોકડ રકમ લઇને નાસી ગયા હતા. જોકે, લુટારાઓ કેટલી રોકડ રકમ લૂંટી ગયા તેના વિશે અહેવાલમાં કશું જ જણાવવામાં આવ્યું નથી પરંતુ   લુટારાઓએ સરલા પટેલા અને તેમના પતિને કોઇ પણ પ્રકારની હાનિ પહોંચાડી નથી. જોકે, લૂંટની આ ઘટનાથી સરલા પટેલને ભારે આઘાત લાગ્યો છે.
 
wset.com એ સરલા પટેલને એમ કહેતાં ટાંક્યાં છે કે આજે તેમની સાથે આ ઘટના બની છે અને આવતીકાલે અન્ય કોઇની સાથે આવું થશે. તેમણે એવું પણ જણાવ્યું કે આઘાતને કારણે તેઓ બે રાતથી ઊંઘી શક્યાં નથી. લૂંટની ઘટના તેમની નજર સામે ફરતી રહે છે. ત્રણે લુટારાઓને ઓળખી પાડવાના તપાસકારો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટોરમાંના જાસૂસી કેમરામાં આખી ઘટના કેદ થઇ ગઇ છે. સરલા પટેલ અને તેમના પતિએ  9 વર્ષ પહેલાં મેડિસન હાઇટ્સમાં ડુડ્રોપ સ્ટોર શરૂ કર્યો હતો. ત્રણે લુટારાઓ સરલા પટેલ અને તેમના પતિ પાસે  નાણાંની માગણી કરી રહ્યા હતા અને ગંદી ભાષા બોલી રહ્યા હતા.

Comments