બિહાર જીતશું તો ગૌમાંસ પર પ્રતિબંધ લાદીશું: સુશીલ મોદી

ઉત્તર પ્રદેશના દાદરી ખાતે ગૌમાંસ ખાધું હોવાની અફવા બાદ થયેલી હત્યાના વિવાદ મધ્યે ભાજપે સોમવારે જણાવ્યું કે જો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો વિજય થશે તો બિહારમાં ગૌહત્યા પર પ્રતિબંધ લદાશે. ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ ટ્વિટર પર જણાવ્યું કે જો બિહારમાં ભાજપનાં નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર રચાશે તો અમે રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયોની વિદેશોમાં થતી દાણચોરી અટકાવીને હજારો ગાયની જિંદગી બચાવી છે. ભાજપ ગાયોની સુરક્ષા કરીને ગૌપાલકોની જિંદગી સુધારવા માગે છે. સુશીલકુમાર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે લાલુ યાદવ બીફ પણ ખાઇ શકે છે. લાલુએ કરોડો ગૌપા
લકોનું અપમાન કર્યું છે.

હિંદુઓ પણ બીફ ખાય છે તેવાં લાલુ યાદવનાં નિવેદનને પગલે બિહારની ચૂંટણીમાં હવે ગૌમાંસ મુખ્ય મુદ્દો બની રહ્યો છે. એઆઇએમએમના નેતા અસદુદ્દીન ઓવૈસીના બિહારનાં રાજકારણ બાદ એનડીએ ગઠબંધનને મતોનાં ધ્રુવીકરણની શંકા હતી. લાલુએ બીફ ખાવાને સમર્થન આપીને બીફ ખાનારા સમુદાયનાં દિલ જીતવાનો પ્રયાસ કરતાં ભાજપને પોતાના મતોનું ધ્રુવીકરણ કરવા ગૌમાંસને મુખ્ય મુદ્દો બનાવવાની ફરજ પડી છે. અમિત શાહે વ્યૂહરચના બદલી લાલુની મજબૂત બેંક ગણાતા યાદવ સમુદાયમાં પેંઠ વધારવા ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ વહેતી કરી છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જે યદુવંશી છે તે જ બીફ ખાવાની વાત કરી રહ્યા છે. યદુવંશીઓ ગાયને પોતાની આજીવિકા માને છે, ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપના નેતા નંદકિશોર યાદવે જણાવ્યું કે લાલુ યાદવ કેવા પ્રકારના ગૌપાલક છે જે બીફ ખાવાની વાત કરે છે. બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે હદ તો એ વાતની છે કે લાલુ યાદવને ગૌપાલકોના મત જોઇએ છે અને બીફ ખાવાને સમર્થન પણ આપે છે.

લાલુ યાદવને હવે અફસોસ થઇ રહ્યો છે કે ચૂંટણીનાં વાતાવરણમાં તેમણે બીફ પર નિવેદન આપીને યોગ્ય કર્યું નથી. ભાજપના વળતા પ્રહાર બાદ લાલુએ હવેસ્પષ્ટતા કરી કે, શેતાને મારા મોંમાંથી આ વાત બોલાવડાવી હતી, જવાબમાં ભાજપે જણાવ્યું કે જો લાલુના મુખમાં અત્યારથી શેતાન આવી રહ્યો છે તો આગળ શું થશે. લાલુનાં નિવેદન બાદ સહયોગી પાર્ટીઓએ મૌન સેવી લીધું હતું. કોંગ્રેસે બિહારની ચૂંટણીમાં ગૌહત્યાને મુદ્દો બનાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે.

Comments