ઓસ્ટ્રેલિયામાં ઘડ્યો અપહરણનો પ્લાન ને અંજામ પેટલાદમાં; લેવાઈ ઓસ્ટ્રેલિયન પોલીસની મદદ

આણંદ જિલ્લા પોલીસે મોડી રાત્રે હાથ ધરેલા દિલધડક ઓપરેશનમાં ભાદરવા સીમ વિસ્તારના ફાર્મ હાઉસમાંથી વડોદરાના બે અપહરણકર્તાને ઝડપી પાડ્યા :  તપાસમાં ગુન્હાનું પગેરું ઓસ્ટ્રેલિયાથી શરૂ થયું હોવાની માહિતી મળતા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની પણ મદદ લેવામાં આવી
 
ઓસ્ટ્રેલિયામાં ઘડ્યો અપહરણનો પ્લાન ને અંજામ પેટલાદમાં; લેવાઈ ઓસ્ટ્રેલિયન પોલીસની મદદપેટલાદ : પેટલાદના પાળજ ખાતેથી બુધવારે બપોરે એન.આર.આઈ. દંપતિના છ વર્ષીય બાળક ક્રિયાન પટેલનું સફેદ સ્વીફ્ટ કારમાં આવેલા બે શખ્સે અપહરણ કર્યું હતું. આ ચકચારી ઘટનામાં આણંદ જિલ્લા પોલીસે 10 ટીમોના સઘન પ્રયાસ થકી 32 કલાક બાદ બાળકને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી હેમખેમ છોડાવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ પ્રાથમિક પૂછપરછમાં પાંચ કરોડની ખંડણી માંગવાનો ઈરાદો હોવાને લીધે આ અપહરણ કરાયું હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી આવેલા આરોપી મયુર પટેલ અને અપહ્ત બાળકના પિતા તેજસ પટેલ વચ્ચે પૈસાની લેવડ-દેવડના મામલે થયેલી તકરાર પણ કારણભૂત હોવાનું ચર્ચાતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે ચાર કલાકે પાળજની ભાગોળેથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા તેજસ પટેલના છ વર્ષીય પુત્ર ક્રિયાન પટેલનું અપહરણ કરાતા જિલ્લા પોલીસ સતર્ક થઈ હતી. બાળકને સહીસલામત છોડાવવા માટે પોલીસે જિલ્લામાં બાતમીદારોને સક્રિય કર્યા હતા. પોલીસને પ્લાન ઓસ્ટ્રેલિયામાં ઘડાયો હોવાની પ્રાથમિક માહિતી મળતા જિલ્લા પોલીસે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની પણ મદદ લીધી હતી. દરમિયાન, પોલીસને આણંદ-વડોદરાની બોર્ડર પરના ભાદરવાની સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં અપહ્ત બાળકને રાખ્યો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની દેખરેખ હેઠળ એક ડીવાયએસપી, બે પોલીસ ઈન્સ્પેક્ટર, ચાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 35 માણસોની બે અલગ-અલગ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગુરૂવારે મોડી રાત્રે ટીમ દ્વારા ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની એક ટીમે આગળથી જ્યારે બીજી ટીમે ફાર્મ હાઉસમાં પાછળથી રૂમનો દરવોજો તોડી નાંખ્યો હતો. જેમાં એક અપહરણકર્તાને બાળક સાથે પ્રથમ લિવિંગ રૂમમાંથી જ્યારે બીજા અપહરણકર્તાને બીજી રૂમમાંથી ઊંઘતા જ દબોચી લીધા હતા.

પોલીસની પૂછપરછમાં એકનું નામ મયુર મહેશ પટેલ (રહે. દશરથ, વડોદરા) અને બીજો ઈસમ રાજેશ રામજી પરમાર (રહે. છાણી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. મોડી સાંજથી શરૂ થયેલા અને છ થી સાત કલાક ચાલેલા ઓપરેશનમાં પોલીસે અપહ્ત બાળકને હેમખેમ છોડાવતા પરિવારજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે, અપહરણ બાદ પરિવાર પાસેથી રૂા. પાંચ કરોડની ખંડણી માંગવાનો પ્લાન હોવાનું પોલીસની પૂછપરછમાં બંને યુવકોએ જણાવ્યું હતું. પોલીસે બંને અપહરણકર્તાઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી મયુર પટેલની સ્વીફ્ટ કારને કબ્જે લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Comments