- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
'ખેલાડીઓની સલામતીને કોઇ ચિંતાજનક જોખમ નહતું'
લો ઓર્ડરમાં કોઇએ જવાબદારી સાથે રમવું પડશે
કટક,તા.૬
સાઉથ આફ્રિકા સામેની બીજી ટ્વેન્ટી-૨૦માં ભારતના નાલેશીભર્યા દેખાવ બાદ કટકમાં રોષે ભરાયેલા પ્રેક્ષકોએ મેદાન પર પાણીની બોટલો ફેંકવાની શરુ કરતાં મેચ બે વખત અટકાવવી પડી હતી. પ્રેક્ષકોના વર્તનની ઉગ્ર ટીકા ભૂતપૂર્વ ક્રિકેટરો કરી રહ્યા છે, ત્યારે ભારતની ટ્વેન્ટી-૨૦ અને વન ડે ટીમના કેપ્ટન ધોનીએ આખી ઘટનાને ખુબ જ હળવાશથી લીધી છે. ધોનીએ આ મુદ્દે આશ્ચર્યજનક રીતે ઠંડક દેખાડતાં કહ્યું હતુ કે, પ્રેક્ષકો તો ગમ્મતમાં મેદાન પર બોટલો ફેંકતા હતા. કદાચ શરુઆતની બે-ચાર બોલરો રોષમાં ફેંકાઇ હશે, પણ ત્યાર બાદ તો તેઓ માત્ર મજા લેવા માટે આમ કરતાં હતા. આ ઘટનાને આપણે બહુ ગંભીરતાથી ન જોવી જોઇએ.
ગાવસ્કર સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ તો કટકના પ્રેક્ષકોના રોષપૂર્ણ પ્રદર્શનને દેશની ગરીમા સાથે જોડી દીધું હતુ અને તેમની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. જો કે 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખાતા ધોનીએ તેની સ્ટાઇલમાં કહ્યું હતુ કે, આપણે પ્રેક્ષકોના આ પ્રકારના રોષને વધુ ગંભીરતાથી લેવો ન જોઇએ. પ્રેક્ષકોમાં રહેલા કેટલાક મજબૂત લોકોએ મેદાનો પર બોટલો ફેંકવાની શરુ કરી અને અમ્પાયરોને લાગ્યું કે, આવી સ્થિતિમાં મેદાનની વચ્ચે બેસી રહેવું કે પછી મેદાન છોડી જવું હિતાવહ છે. મને બરોબર યાદ છે કે, અમે એક વખત વિઝાગમાં મેચ ખુબ જ આસાનીથી જીતી ગયા,ત્યારે પણ પ્રેક્ષકોએ મેદાન પર બોટલોનો વરસાદ વરસાવ્યો હતો.
એકાદ બોટલ શરુઆતમાં રોષપૂર્ણ રીતે ફેંકાય છે, પણ ત્યાર બાદ તો તે બધા માટે ગમ્મતનો વિષય બની જાય છે. હવે જો ખેલાડીઓની સલામતીની વાત કરીએ તો મને નથી લાગતું કે તે સમયે ખેલાડીઓની સલામતી ચિંતાજનક સ્થિતિમાં મુકાઇ હતી.
ધોનીએ નિખાલસતાથી કબુલાત કરી કે, અમે સારુ રમ્યા નહતા અને તેના જ કારણે પ્રેક્ષકોએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો.
સાઉથ આફ્રિકા સામે સતત બીજી હાર સાથે શ્રેણી ગુમાવ્યા બાદ ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે લોઅર ઓર્ડરમાં એકાદ-બે બેટ્સમેનોએ જવાબદારી સાથે બેટીંગ કરવી પડશે. ભારતની હારના મુખ્ય કારણોમાં એક મહત્વનું કારણ લો ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતા પણ છે.
ભારતીય કેપ્ટને એમ પણ ઊમેર્યું કે,ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં મારે વધુ પડતું મગજ દોડાવવાથી બચવું પડશે. મને લાગે છે કે, હું ઘણું બધુ વિચારી લઉં છું. હકીકતમાં તો હું જો મારી જાતને મુક્ત રાખું અને નૈસર્ગિક રીતે રમું તો સારુ પરિણામ આવી શકે છે.
જ્યારે મારી બેટીંગ આવે ત્યારે માંડ ત્રણ-ચાર ઓવરો બાકી હોય. ક્યારેય આવી સ્થિતિ પણ આવે કે, જ્યારે વિકેટો જલ્દી-જલ્દી પડી ગઇ હોય અને મારે બેટીંગમાં ઉતરવાનું થયું હોય. આવી સ્થિતિમાં પીચ પર ટકીને રમવા સિવાય મારી પાસે કોઇ વિકલ્પ બાકી બચતો નથી. જો હું પાંચમા ક્રમે બેટીંગ કરતાં આક્રમક સ્ટ્રોક્સ ફટકારું તો સામેના છેડેથી કોઇએ તો પીચ પર ટકી રહેવાની જવાબદારી સંભાળવી જરુરી છે. તો જ અમે ધાર્યા પરિણામ મેળવી શકીએ.
કટક પર બે વર્ષનો પ્રતિબંધ મુકો, ઓડીસાના એસોસિએશનની સબસીડી બંધ કરો ઃ ગાવસ્કર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગાવસ્કરે તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટ્વેન્ટી-૨૦માં કટકના પ્રેક્ષકોએ બોટલો ફેંકીને વ્યક્ત કરેલી નારાજગી અંગે તેમની ઉગ્ર ટીકા કરી છે. ગાવસ્કરે તો માંગણી કરી છે કે, કટકને બે વર્ષ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ આપવામાં ન આવે.
ગાવસ્કરે કહ્યું કે, પોલીસ કોઇ પર સૂચના વિના સાવ આડીઅવળી ઉભી હતી. બાઉન્ડ્રી પર ઉભેલા પોલીસે મેચની મજા માણવાને બદલે પ્રેક્ષકોના વર્તન પર નજર રાખવાની હોય છે. શિક્ષાત્મક પગલા અંતર્ગત બીસીસીઆઇએ ઓડીસા ક્રિકેટ એસોસિએશનને સબસીડી આપવાની બંધ કરી દેવી જોઇએ. ગાવસ્કરે એવી પણ કોમન્ટ કરી કે, શું ભારતીય ટીમ જીતે ત્યારે પ્રેક્ષકો તેમનો કિંમતી સામાન મેદાન પર ફેંકે છે ? જો તેઓ આમ ન કરતાં હોય તો તેમને બોટલ ફેંકવાનો પણ કોઇ અધિકાર નથી.
કટકમાં રમાયેલી બીજી ટ્વેન્ટી-૨૦માં ભારતના કંગાળ પર્ફોમન્સને કારણે નારાજ પ્રેક્ષકોએ મેદાન પર બોટલો ફેંકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ભારતીય ટીમ ૯૨ રનમાં આઉટ થઇ જતાં પ્રેક્ષકોએ મેદાન પર બોટલો નાંખવાનું શરુ કર્યું હતુ. જો કે ત્યારે બ્રેક હોવાથી તેની કોઇ અસર રમત પર પડી નહતી. સાઉથ આફ્રિકાની ઈનિંગ શરુ થઇ તેમાં ૧૧મી ઓવર બાદ ફરી બોટલોનો મારો શરુ થયો હતો, જેના કારણે ૨૭ મિનિટ સુધી મેચ અટકાવવી પડી હતી.
આખરે ૧૦ વાગ્યે ફરી રમત શરુ થઇ હતી. આ સમયે સિક્યોરીટીએ બાઉન્ડ્રીને ઘેરી લીધી હતી. જો કે બે ઓવર બાદ ફરી બોટલો ફેંકવાનો સિલસિલો ચાલુ થતાં ભારતીય ક્રિકેટરો અને સાઉથ આફ્રિકાના બેટ્સમેનો મેદાન છોડી ગયા હતા. આખરે પોલીસે તોફાની પ્રેક્ષકોને સ્ટેન્ડથી દૂર કરતાં આખરી બે ઓવર માટે ૨૪ મિનિટ બાદ ફરી રમત શરુ થઇ હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment