'ગુજ્જુભાઈ' ગામ અને ગુજરાત બાદ હવે પાકિસ્તાન પણ ગજાવશે!

-ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'ના લેખક-અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ખાસ વાત-ચીત
-જો સિકવલ બનાવીશું તો એમાં પણ ગુજ્જુભાઈ કેન્દ્રમાં હશે અને કથાનક અલગ હશે: સિદ્ધાર્થ રાંદેરિયા
 
સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'નું પોસ્ટર.અમદાવાદ: સ્ટેજના સરતાજ સિદ્ધાર્થ રાંદેરિયા અભિનિત અને ઈશાન રાંદેરિયા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસની સર્વ પ્રથમ ફૂલફ્લેજ કોમેડી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' એક પછી એક સફળતાના શિખરો સર કરીને નવા નવા રેકોર્ડ સર્જતી જાય છે. 'ગુજ્જુભાઈ' પીવીઆર દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવેલી પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ગુજરાત-મુંબઈના સવાસો જેટલા સિનેમાઘરોમાં દિવસના પોણા બસ્સો શો સાથે રિલિઝ થઈ હોય. 'ગુજ્જુભાઈ' બોલિવૂડની ફિલ્મ 'કટ્ટીબટ્ટી'ની સાથે રિલિઝ થઈ હતી. પરંતુ 'કટ્ટીબટ્ટી'ને સારો પ્રતિસાદ ન મળ્યો અને 'ગુજ્જુભાઈ'ના તમામ શો હાઉસફૂલ ચાલતા હોવાના કારણે સિનેમાઘરોએ 'કટ્ટીબટ્ટી'ના શો જે સ્ક્રિન્સમાં ચાલતા હતા ત્યાં 'કટ્ટીબટ્ટી' હટાવીને ગુજ્જુભાઈના શોઝ ગોઠવી દીધા. આ રીતે આ લખાઈ રહ્યું છે ત્યારે 135 સ્ક્રિન પર દિવસના 360 શો સાથે કોઈ હિન્દી ફિલ્મને રિપ્લેસ કરવાનો પણ વિક્રમ ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'એ નોંધાવી દીધો છે. આ ઉપરાંત ગુજરાત શુક્રવારથી ગુજ્જુભાઈ દિલ્હી, ગુડગાંવ, ઉદયપુર, ઈન્દોર, હૈદ્રાબાદ, વિજયનગર, બેંગ્લોર અને કોલકાત્તાના સિનેમાઘરો પણ ગજાવી રહી છે.
 
આ તકે divyabhaskar.comએ ગુજરાતી નાટ્યજગતના ગ્રેટ શો મેન સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ખાસ વાત-ચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બંબાટ રેકોર્ડબ્રેક કરતા જતા 'ગુજ્જુભાઈ' હજૂ તો ઘણા વિક્રમો સર કરવાની કગાર પર ઉભા છે. એક સપ્તાહમાં જ આ ફિલ્મ વિદેશોમાં રિલિઝ થશે. એ સાથે જ વર્લ્ડવાઈડ  થિએટ્રિકલ રિલિઝ મેળવનારી પ્રથમ ફિલ્મ બનશે અને જો બધુ સમૂસુતરું પાર ઉતર્યુ તો 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' પાકિસ્તાનમાં પણ રિલિઝ થશે.

Comments