અંધ માતાને કર્ણાટકથી અમદાવાદ લાવી રસ્તે રઝળતી મૂકી દીકરો પલાયન !

'ચાલો મોતિયાના ઓપરેશન માટે મોટા શહેરમાં લઇ જઉં' એમ કહીને

૧૮૧ હેલ્પ લાઇનના કાઉન્સિલરે કન્નડ ભાષાનો દુભાષિયો બોલાવીને વૃધ્ધા સાથે વાત કરી


હું રહેવાની સગવડ કરીને આવું છું એવું બહાનું કાઢી દીકરાએ માતાને રિક્ષામાંથી ઉતારી દીધી
અમદાવાદ,મંગળવાર
દરેક માતા પિતાની ઇચ્છા હોય છે પોતાનું સંતાન ઘડપણમાં તેમની સાથે રહે પણ કળીયુગનો એક દીકરો  અંધ અને અપંગ માતાને   રસ્તે રઝળતા મુકી દિધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કર્ણાટકથી આવેલો દીકરો અંધ અપંગ માતાને દવા લેવા જઇએ એમ કહીને અમદાવાદના ઇન્કમટેક્ષ વિસ્તારમાં ઉતારીને જતો રહ્યા હતો. છેવટે ૧૮૧ હેલ્પલાઇનને માહિતી મળતા સ્થળ પર પહોંચીને ૭૫ વર્ષની  નિસહાય વૃધ્ધ માતાને ઓઢવ નારીગૃહમાં લઇ જવામાં આવી હતી.
ઇન્કમટેક્ષ પાસે રાત્રે ૧૦ વાગે ૭૫ વર્ષના વૃધ્ધા મહિલાને રડતી જોઇને એક રાહદારી મહિલાએ તેમને પુછ્યુ કે કેમ રડો છે પરંતુ વૃધ્ધા જે ભાષા બોલતા હતા તે ભાષા રાહદારી મહિલાને સમજાતી ન હતી. બીજી બાજુ ગુજરાતી ભાષા આ વૃધ્ધ મહિલા પણ સમજતી ન હતી. આથી રાહદારી મહિલાએ વૃધ્ધાની મદદ કરવા માટે ૧૮૧ અભયમ હેલ્પ લાઇન પર ફોન કરતા હેલ્પ લાઇનના કાઉન્સીલરે કન્નડ ભાષાનો દુભાષિયો બોલાવીને વૃધ્ધા સાથે વાત કરીહતી. જેમાં તેમણે જણાવ્યું કે પોતે કર્ણાટકના છે અને તેમને સંતાનમાં ત્રણ દિકરાઓ જ છે અને ત્રણે પરણેલા છે જયારે  તેમના પતિ મૃત્યુ પામ્યા છે. ૬ મહિના પહેલા વૃધ્ધાને લકવો થયો હોવાથી  જમણો હાથ અને પગ કામ કરતા નથી.અધુરામાં પુરુ ઉંમરના કારણે આંખોમાં પણ દેખાતું નથી.તેમ છતા તેમના દીકરાઓ તેમની દવા કરાવતા ન હતા. જયાં સુધી પતિની જમીન વૃધ્ધાના નામે હતી ત્યાં સુધી દીકરાઓએ સાચવી પરંતુ આ જમીન ફોસલાવીને લઇને પોતાના નામે કરી દિધી એ પછી વર્તન બદલાવા લાગ્યું હતું.
એક દીવસ અચાનક તેમના મોટા  દીકરા દિપકે તેમને કહ્યું કે મા તારા પેરાલિસિસ અને આંખનો ઇલાજ મોટા શહેરમા જઇને કરાવીએ એમ કહીને અમદાવાદ લાવ્યો હતો. દીપકે અમદાવાદ આવીને તેની સગી માતાનો ઇલાજ કરવાના સ્થાને તરછોડી દિધી હતી. ઇન્કમટેક્ષ પાસે  રીક્ષામાંથી ઉતારીને ક્હ્યુ કે તુ બેસ હું રહેવાની સગવડ કરીને આવું છુ અને ત્યાર બાદ પરત આવ્યો જ નથી. વૃધ્ધાને તો એ પણ ખબર ન હતી કે તે અત્યારે કયાં શહેરમાં છે. જો કે જનેતાએ રડતા રડતા કહ્યુ કે મારા ત્રણ દીકરાઓએ મને કહ્યુ હોત તો હું ઘરની બહાર નીકળી જાત પરંતુ મારા દીકરાઓએ આ રીતે  તરછોડી દિધી એ વાતનું મને દુઃખ છે.મારે ત્રણ દીકરાના સ્થાને એક દીકરી હોત તો  સારું હતું.

Comments