સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકાર પોતાની ટીવી ચેનલ શરૂ કરશે

Image result for competitive exam tv channel launching in gujarat
રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેકાર યુવાનોને નોકરી આપવા એક ટીવી ચેનલ શરૂ કરી રહી છે. જેનાથી યુવાનો સ્પર્ધા કરીને પરીક્ષાઓ પાસ કરી શકે અને સારી નોકરી મેળવી શકે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ચેનલ શરૂ કરવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. જે થોડા દિવસમાં મંજૂરી મળી જાય તેવી શક્યતા બતાવવામાં આવી રહી છે.
ખાસ કરીને જીપીએસસી, ગુજરાત સરકારના બોર્ડ કોર્પોરેશનો, બેંકો, કેન્દ્ર સરકારના બોર્ડ કે કોર્પોરેશનોમાં પરીક્ષા લેવામાં આવે છે તેમાં સ્પર્ધા થાય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના યુવાનો મોટા પ્રમાણમાં ઉત્તીર્ણ થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સામાન્ય જ્ઞાનથી લઈને અલગઅલગ વિષયોનું જ્ઞાન નિષ્ણાતો આપશે.
રોજગાર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને સ્પીપામાં લેક્ચર લેતા નિષ્ણાતો પણ આ ચેનલમાં કામ કરી શકે તેવી પણ વિચારણા ચાલી રહી છે. ચેનલ બાયસેગ દ્વારા વંદે ગુજરાતના નામથી શરૂ થશે. જો કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત બીજી બે ચેનલો પણ શરૂ થવાની ઘડી ગણાઈ રહી છે. એક વર્ષ પહેલાં ગુજરાત સરકારની માત્ર બે ટીવી ટયૂશન અને તાલીમની ચેનલો હતી. હવે ૧૩ ચેનલ થઈ ગઈ છે. બીજી ત્રણ ચેનલોને કેન્દ્રના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય મંજૂરી આપવાના તબક્કામાં છે. સરકારની ૧૩ સેટેલાઈટ ટીવી ચેનલો છે તેમાં વિદ્યાર્થીઓ માટે ટયુશન આપતી છે. એક ચેનલ તો ગુજરાતની પાકિસ્તાન સરહદ પર રહેતાં લશ્કરના જવાનો માટે પણ અલગથી રાખવામાં આવી છે. જે ભારત સરકારના સીમા સુરક્ષા બળ સાથે રહીને ચલાવવામાં આવે છે.
સ્ટાફની તંગીથી નવો વિચાર
રાજ્ય સરકાર પાસે તાલીમ આપે તેવો સ્ટાફ ન હોવાથી આ માસ ટયૂશન અને તાલીમની ચેનલોથી તાલીમી અને શિક્ષણના સ્ટાફની તંગી હળવી કરી શકાશે. શિક્ષકોની પણ ઘટ છે તેથી તે પૂરી કરી શકાશે.
કઈ ચેનલ શાના માટે?
1.      બે ચેનલ સરકારના કર્મચારીઓના વિભાગીય તાલીમ માટે છે
2.      શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ માટેની છે
3.      જીટીયુ : યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા
4.      આરોગ્ય : વિભાગ દ્વારા રોગોની માહિતી અપાય છે.
5.      શિક્ષણ બોર્ડ : ૯થી ૧૦ અને ધો.૧૧-૧૨ માટે બે ચેનલ
6.      શૈક્ષણિક સંશોધન : તાલીમ પરિષદ દ્વારા શિક્ષકોને તાલીમ
7.      પ્રાથમિક શિક્ષણ : અમદાવાદ મ્યુનિસિપલ અને જીટીયુ માટે
8.      કોલેજો : વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદાના વિદ્યાર્થીઓ માટે

Comments