પાટીદારોએ આંદોલન કેમ કર્યું? આપઘાત કરનાર વ્યક્તિનું નામ શું છે?

પાટીદાર આંદોલન વિશે પુછાયેલો પ્રશ્ન- રાજકોટની મોદી શાળામાં ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પૂછતાં વિવાદ
- "આપઘાત કરનાર વ્યક્તિનું નામ શું છે?’ આ પ્રકારના સવાલો પૂછતાં  વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ

રાજકોટ 
: રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ગત 6 ઓક્ટોબરે લેવાયેલી ધો.8ની જનરલ નોલેજની પરીક્ષાના પ્રશ્નપત્રમાં પાટીદાર સમાજના આંદોલન સંદર્ભે પ્રશ્ન પૂછી લોકોમાં ઉશ્કેરણી ફેલાઈ અને રાજકોટની શાંતિ ડહોળાઈ તેવો માહોલ ઊભો કરાતા ભારે વિવાદના મંડાણ થયા છે. રાજકોટ વિદ્યાર્થી અને વાલીમંડળ દ્વારા આ મુદ્દે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ વિદ્યાર્થી અને વાલીમંડળે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટની મોદી સ્કૂલે ગત 6 ઓક્ટોબરે લીધેલી જી.કે.ની પરીક્ષાના  પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલો લોકોમાં ઉશ્કેરણી ઊભી કરે છે અને રાજકોટની શાંતિ ડહોળાય તેવો માહોલ ઊભો થયો છે.

પ્રશ્નપત્રના પ્રશ્ન નં.5-એના પેટા સવાલ નં.7માં ‘ક્યા કારણોસર પાટીદારે સરકાર સામે આંદોલન કર્યું છે.તેવા સવાલ પુછાયો છે, તેમ જ પ્રશ્ન નં.5-સીના સવાલ નં.1માં રાજકોટમાં અનામતના મુદ્દે આપઘાત કરનાર વ્યક્તિનું નામ શું છે.?’ જેવા સવાલો પૂછ‌વાથી ઓબીસી અને પાટીદારોમાં ફરી અશાંતિ ફેલાવવાના સંજોગો સર્જાયા છે. તેમજ વિદ્યાર્થીઓમાં વૈમનસ્ય આ‌વ્યું છે. આથી આ પ્રશ્નનું શાંતિપૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા માગણી કરવામાં આવી છે. આવા પ્રશ્નોના કારણે આંદોલનકારીઓ અચાનક શાળા પર આવી પથ્થરમારો કરે તો વિદ્યાર્થીઓની સલામતી જોખમાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષિકા પાસે માફીનામુ લખાવ્યું
આ મુદ્દે સ્કૂલના માલિક રશ્મિભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આ પેપર કાઢનાર શિક્ષિકાને ઠપકો આપી તેમનું માફીનામું લખાવવામાં આવ્યુું છે. હકીકતમાં સ્કૂલના પ્રિન્સિપાલના ધ્યાન બહાર આ પ્રશ્નો જી.કે.ના પેપરમાં પૂછાઇ ગયા હતા.

Comments