મોઢેરા: ગૃહમંત્રીના સમર્થક દ્વારા હાર્દિક પર હુમલાનો પ્રયાસ, પાટીદારો ઉશ્કેરાયા

-ગૃહમંત્રીના સમર્થક દ્વારા હાર્દિકના મિત્રને તમાચા મરાતાં હોબાળો, પાટીદારો ઉશ્કેરાયા
(તસવીર:ગૃહરાજ્ય મંત્રી રજની પટેલનો સમર્થક વિનોદ પટેલ ઉર્ફે સ્વામી)-હુમલાખોર વિનોદની ગાડીમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોની તોડફોડ
-ટોળાના રોષથી બચવા મંદિરમાં ભરાઇ ગયો
- સ્વામીના ઘરે તોડફોડ કરવા પહોંચેલા ગ્રામજનોની પોલીસ સાથે ચકમક  
- મહેસાણામાં રાધનપુર અને મોઢેરા ચોકડીએ પોલીસ ગોઠવી દેવાઇ

મહેસાણા:પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સોમવારે રાત્રે બહુચરાજીથી ચાણસ્મા જવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં મોઢેરા ખાતે હાઇવે પર સ્થાનિક પાટીદારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું. આ સમયે ગામનો જ વતની અને રાજ્યના ગૃહમંત્રી રજની પટેલનો સમર્થક હાર્દિક પર હુમલો કરવા ધસી આવતાં હાર્દિકના સમર્થકે અટકાવતાં તેને ત્રણ લાફા ઝીંકી દીધા હતા. જેને પગલે ઉશ્કેરાયેલા પાટીદારોએ ગૃહમંત્રીના સમર્થકની ગાડીની તોડફોડ કરી હતી અને તેના ઘર ઉપર પણ પથ્થરમારો કરાયો હતો. 
 
આ ઘટનાને લઇ ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. આ ઘટનાના મહેસાણા શહેરમાં કોઇ પડઘા ન પડે તે માટે રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી દેવાયો હતો. પાસના કન્વીનર હાર્દિક પટેલ સોમવારે રાત્રે બહુચરાજી અને શંખલપુરમાં બહુચર માતાજીના દર્શન કરી ચાણસ્માના કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા. રસ્તામાં ગૃહ રાજ્યમંત્રીના માદરે વતન મોઢેરાખાતે પાટીદારો સૂર્યમંદિર સામે હાઇવે પર તેમના સન્માન કરવા એકઠા થયા હતા. 
 
હાર્દિક આવતાં ગામલોકો દ્વારા તેમનું સન્માન કરાતું હતું તે સમયે ગામનો જ વતની અને ગૃહરાજ્ય મંત્રી રજની પટેલનો સમર્થક વિનોદ પટેલ ઉર્ફે સ્વામી ત્યાં ગાડી લઇને ધસી આવ્યો હતો અને બહાર આવી અહીં કોઇએ સન્માન કરવાનું નથી તમે કહી હાર્દિક તરફ ધસી જતાં હાર્દિકના સમર્થક દિનેશ પટેલે તેને અટકાવતાં સ્વામીએ તેને ત્રણ લાફા ઝીંકી દીધા હતા. જોકે, હાર્દિક અહીંથી ચાણસ્માના કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયો હતો.
 
 બીજીતરફ આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ સ્વામીની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. જ્યારે સ્વામી લોકોથી બચવા ભાગીને નજીકના એક મંદિરમાં ઘૂસી ગયો હતો. ટોળું મંદિરની બહાર જમા થઇ જતાં પોલીસ બોલાવવી પડી હતી. દરમિયાન ગામમાં તેના ઘર ઉપર પણ  ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને લઇ મહેસાણા પોલીસ પણ એલર્ટ થઇ ગઇ હતી અને મોઢેરા તેમજ રાધનપુર ચોકડી પર પોલીસ પોઇન્ટ ગોઠવી દેવાયો હતો.

Comments