કાશીમાં કર્ફ્યુ : સંતો-પોલીસ વચ્ચે હિંસક અથડામણ


વડા પ્રધાન મોદીનાં મતક્ષેત્રમાં સંતોની પ્રતિકાર રેલીમાં ભેદી રીતે આગચંપી અને પથ્થરમારો
ગણેશજીની મૂર્તિનાં વિસર્જન દરમિયાન થયેલા લાઠીચાર્જનો વિરોધ કરવા માટે પ્રતિકારયાત્રા કાઢવામાં આવી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં સાધુ-સંતો દ્વારા કાઢવામાં આવેલી પ્રતિકારયાત્રામાં હિંસક અથડામણો થતાં ચાર પોલીસ મથકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ગત દિવસોમાં ગણેશજીની મૂર્તિનાં 
વિસર્જનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં સોમવારે સાધુ-સંતો દ્વારા પ્રતિકારયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારો લોકો સામેલ થયાં હતાં. વિરોધપ્રદર્શન કરનારાં સંતોની રેલી ગોદોલિયા પહોંચતાં જ કેટલાક અરાજક તત્ત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તોફાની તત્ત્વોએ પોલીસની જીપ અને સંખ્યાબંધ વાહનોમાં આગચંપી કરી દીધી હતી. મામલો બીચકતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ભીડને કાબૂૂમાં લેવા માટે પોલીસે સતત ટિયરગેસના સેલ છોડવા પડયા હતા અને રબર બુલેટ ફાયર કરવી પડી હતી. આ મામલે પોલીસે એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસ અને દેખાવકારો વચ્ચે પથ્થરમારા અને ફાયરિંગને પગલે સાધુ સંતોની સાથે સાથે છથી વધુ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની સ્થિતિ ગંભીર છે. પ્રતિકારયાત્રામાં તોફાનો ફાટી નીકળતાં ભારે ભાગદોડ મચી હતી. જેના કારણે અનેક સાધુ સંતોને ઇજાઓ પહોંચી હતી. પોલીસે વારાણસીમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરી સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા સામે કેસ દાખલ કરવા ચેતવણી આપી હતી.
શું છે સમગ્ર મામલો ગંગા નદીમાં પ્રદૂષણ થતું અટકાવવા અલ્હાબાદ હાઇકોર્ટે ગણેશજીની મૂર્તિનું વિસર્જન ગંગા નદીમાં કરવા સામે મનાઇ ફરમાવી દીધી હતી. ૨૧મી સપ્ટેમ્બરે રાત્રે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાઇકોર્ટના આદેશને અમલી બનાવી ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન નહીં કરવા હુકમ કરાયો હતો. જેની સામે સંતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. સાધુ સંતોએ ગંગા નદીમાં જ મૂર્તિ વિસર્જન કરવાની હાકલ કરી હતી. જેના પગલે સાધુ સંતો અને પોલીસ વચ્ચે રરમી સપ્ટેમ્બરે અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક સાધુ સંતોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેનો વિરોધ કરવા પાંચમી ઓકટોબરના રોજ પ્રતિકારયાત્રાનું આયોજન કરાયું હતું.
સીએમ અખિલેશ સાધુ-સંતોની માફી માગે : સાધ્વી પ્રાચી
ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન કરાયેલા લાઠી ચાર્જના વિરોધમાં સોમવારે યોજાયેલી પ્રતિકારયાત્રામાં દેશભરમાંથી આવેલા સાધુ-સંતોએ ભાગ લીધો હતો. સાધ્વી પ્રાચી અને ચક્રપાણી મહારાજ પણ તેમાં સામેલ હતા. આ દરમિયાન સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રે મૂર્તિવિસર્જન મામલે કોઈ માર્ગ કાઢયો નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતે સાધુ-સંતો પર થયેલા લાઠીચાર્જની માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ગોળી ખાવા આવ્યો છું: ચક્રપાણી મહારાજ
યાત્રામાં સામેલ થવા માટે આવી પહોંચેલાં ચક્રપાણી મહારાજે જણાવ્યું હતું કે, સંત ગોળી ખાવા માટે જ કાશી આવી પહોંચ્યા છે. અયોધ્યા, મથુરા, દિલ્હી અને છેક મહારાષ્ટ્રથી સાધુ-સંતો અહીં આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિકારયાત્રા અવિમુક્તેશ્વરાનંદ મહારાજની અપીલ પર કાઢવામાં આવી હતી.

Comments