અમદાવાદના મેયરનું ફરી પાયલાગણ; CMએ અધિકારીઓને ઝાટક્યા

અમદાવાદના મેયરનું ફરી પાયલાગણ; CMએ અધિકારીઓને ઝાટક્યારસ્તા, ડ્રેનેજના મુદ્દે CMએ અધિકારીઓને ઝાટક્યા

અમદાવાદ: અમદાવાદના મેયર મિનાક્ષીબહેન પટેલે ફરી એક વખત જાહેર કાર્યક્રમમાં સીએમ આનંદીબહેનનું પાયલાગણ કર્યું હતું. શહેરમાં બિસ્માર રસ્તા, ઉભરાતી ડ્રેનેજ, કામગીરીની હલકી ગુણવત્તા સહિતના  મુદ્દે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કહ્યું હતુ કે  યોગ્ય પ્લાનિંગ કર્યા વિના કામ કરો છો અને તેનાથી લોકો પરેશાન થાય છે. શહેરના વેજલપુર, ઘાટલોડિયા અને સાબરમતીના ધારાસભ્યો અને મ્યુનિસિપલ અધિકારીઓ સાથેની બેઠકમાં થયેલી રજૂઆતોની મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લીધી હતી.

અમદાવાદમાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને ખાડા ખૈયાવાળા રસ્તા સહિતના પ્રશ્ને મુખ્યમંત્રી આનંદીબેને ગંભીર નોંધ લઈને કોર્પોરેશનના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલા રોડ, ડ્રેનેજ, સહિતના પ્રોજેક્ટો વિશે મ્યુનિસિપલ કમિશનર ડી. થારા પાસેથી તેમણે માહિતી મેળવી હતી. વેજલપુરના ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા નહોતા પરંતુ તેમણે લેખિત રજૂઆતો મોકલી આપી હતી. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા છે અને બિસ્માર રસ્તાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરોને રોડના જથ્થામાં કામ સોંપવાને  બદલે રોડવાઈઝ કામગીરી સોંપવાની તાકીદ કરી હતી. રોડના  કામ જથ્થામાં સોંપવાથી ગરબડ અને ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહે છે. રોડવાઈઝ કામગીરી સોંપવાથી કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરી શકાય. ચાંદલોડિયામાં ગટરો ઉભરાવાની ફરિયાદ અંગે પૂછપરછ કરતાં અધિકારીઓએ કહ્યું કે, રેલવે લાઈનની નીચેથી પાઈપ લાઈન નાંખવાની હોવાથી આ કામગીરી માટે રેલવેની મંજૂરી મેળવવામાં વિલંબ થયો હતો અને તેના કારણે નિયત સમયમાં કામગીરી થઈ શકી નથી.

Comments