દિલ હૈ કી માનતા નહીં: divyabhaskar.comએ શોધી કાઢ્યો ભારતનો એક માત્ર કિસ્સો

દિલ હૈ કી માનતા નહીં: divyabhaskar.comએ શોધી કાઢ્યો ભારતનો એક માત્ર કિસ્સોઅમદાવાદ: ક્યારેય કોઇનું હ્રદય જોયું છે તમે? માન્યું કે શરીરની અંદર હોય તો ક્યાંથી જોયું હોય, પણ શરીરની બહારના ભાગે હોય તો? મેડિકલ સાયન્સને પણ ચકરાવે ચડાવે એવો કેસ ગુજરાતના એક ગામમાં ધબકી રહ્યો છે. એ યુવાનનું હ્રદય પણ બધાંની જેમ ધબકે છે પણ શરીરની બહાર, બધાંને દેખાય એમ. આ આખા દેશનો એકમાત્ર કિસ્સો હોવાનો દાવો આ કેસને તપાસી ચૂકેલા તબીબ કહે છે. વિશ્વમાં દર 10 લાખે માત્ર એક જ બાળકમાં આવી બીમારી જોવા મળે છે પણ ભારતમાં એકમાત્ર 18 વર્ષનો કે
સનો માત્ર અર્પિતનો જ છે. (18 વર્ષિય અર્પિતનું હ્રદય શરીરની બહાર ધબકે છે તેની વીડિયો ડોક્યુમેન્ટરી જોવા માટે અહીં ક્લિક કરો)
 
સામાન્ય રીતે માણસનું હ્રદય શરીરમાં અંદરના ભાગે પાસંળીના પિંજરા વચ્ચે રહીને ધબકતું હોય છે, પરંતુ ગુજરાતના મહેમદાબાદના છાપરા ગામના એક 18 વર્ષીય યુવાનનું હ્રદય ધબકતું જોઈ તમારું હ્રદય ધબકવાનું ચુકી જશે. અર્પિતનું હ્રદય જન્મથી જ શરીરના અંદરના ભાગમાં નથી. આ કેસને તપાસી ચૂકેલા તબીબનું માનીએ તો, આ ભારતનો એક માત્ર કિસ્સો એવો છે જેનું હ્રદય શરીરની બહાર ધબકે છે. વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય આવા કિસ્સાઓ બનતા હોય છે. અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા છાપરા ગામના ખેડૂત વિક્રમભાઈ ગોહિલના પુત્ર અર્પિત મેડિકલ સાયન્સનો એક અજબ ગજબ કેસ બની ગયો છે. આવા કેસમાં મોટેભાગે બાળક ઝાઝું જીવતું નથી પણ અર્પિત આંખના પલકારે ઝાડ ઉપર ચઢી જાય છે, ધુળીયા રસ્તા પર બાઈક પણ ચલાવે છે, ટ્રેકટર પણ ચલાવે છે.

1997માં અર્પિતનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. એ સમયે સ્થાનિક ડોક્ટરોએ બાળકને બે હ્રદય હોવાની શંકા વ્યક્ત કરી હતી. આજે અર્પિત 18 વર્ષનો થયો હોવા છતાં સરકાર કે તબીબી દુનિયાનું ધ્યાન આ બાળક પર પડ્યું નથી. દિવ્યભાસ્કરડોટકોમને જ્યારે આ અજાયબ કિસ્સાની ખબર પડી ત્યારે નડિયાદની હાર્ટ હોસ્પિટલમાં અર્પિતને લઈ જવાયો અને પછી ત્યાં તેના મેડિકલ ટેસ્ટ કરાવાયા. હોસ્પિટલના ડિરેક્ટર ડો. સંજિથ પીટરે આ તમામ સ્ટડી કરીને બેંગલોરની હાર્ટ ઈન્સ્ટિટ્યુટની લાઈબ્રેરીમાંથી આવા કિસ્સા શોધ્યા. તમામ રેકોર્ડ્ને ચકાસ્યા. પછી ડો. પીટરે કહ્યું કે, અર્પિત ભારતનો એકમાત્ર 18 વર્ષનો આવે કેસ છે જેનું હ્રદય છાતીની બહાર ધબકે છે.

અર્પિતને 'પેન્ટલોજી કેન્ટ્રેલ' નામની ખામી છે જે વિશ્વમાં દર 10 લાખે માત્ર એક જ બાળકમાં જોવા મળે છે. અર્પિતની તંદુરસ્તી અને બહાર ધડકતું હ્રદય જોઈ ડોક્ટરો આશ્ચર્યચકિત થઇ ગયા હતાં, તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે હ્રદય બહાર હોવા છતાં કેવી રીતે સામાન્ય જીવન જીવી શકાય? અર્પિતના રીપોર્ટ અને તેની તકલીફ બાબતે હ્રદયના જુદા-જુદા એક્સપર્ટ અને અનુભવી ડોક્ટરો દ્વારા વિશ્વમાં આવા પ્રકારના અન્ય કેસો સાથે સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, અર્પિત ભારતનો પહેલો એવો વ્યક્તિ હોઇ શકે જે 18 વર્ષની ઉંમર સુધી હ્રદય બહાર હોવાની સ્થિતિમાં પણ તંદુરસ્ત રીતે જીવતો હોય અને કોઈ તકલીફ પણ ના હોય.

Comments