પાટીદારોના વોટ્સઅપ DP ચેન્જઃ ભાજપના કમળ માથે મારી લાલ ચોકડી

(તસવીરઃ પાટીદારોએ વોટસએપમાં ચેન્જ કરેલ ડીપી ઈન્સેટમાં ભાજપના કમળ પર લાગેલી લાલ ચોકડી)સુરતઃ- પાટીદારોએ પોતાના રોષને વ્યક્ત કરવા સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવ્યું છે. અને વોટસએપમાં પોતાની ડીપી પર ભાજપ તરફે આક્રોશ ઠાલવવા માટે મોટાભાગના લોકોએ ડીપી ચેન્જ કરી દીધા છે. ભાજપના કમળ પર લાલ ચોકડી મારી દઈને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યાનો મેસેજ વહેતો કર્યો છે.પાટીદાર અનામત આંદોલન બાદ પોલીસ દમન અને ખોટા કેસમાં પાટીદારોને ફસાવ્યા હોવાના આક્રોશ સાથે ડીપી ચેન્જ કર્યા હોવાનું પાટીદારો જણાવી રહ્યાં છે.
 
વોટસએપની ડીપીમાં ભાજપ પ્રત્યેનો રોષ વ્યક્ત કરતાં હિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે,અમે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છીએ. પરંતુ ભાજપ સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે. આંદોલનની માંગણી દરમિયાન અનેક સફળ કાર્યક્રમો આપ્યા છતાં સરકારની આંખ ખુલી નથી. અને ઉલટાનું નાનું સરખું મનામણીનું પેકેજ આપીને તેની ઉજવણી દરમિયાન પણ નિર્દોષો પર દંડાવાળી કરીને ખોટા કેસમાં જેલ ભેગા કર્યા છે. જેમાં પણ એક ભાજપીએ પાટીદાર તરફી વલણ અપનાવ્યું નથી. જેથી અમે ભાજપ સાથે છેડો ફાડી નાખીશું તેવો મેસેજ તેમના સુધી પહોંચે તે હેતુંથી અમે અમારા ડીપી ચેન્જ કર્યા છે.

Comments