ગુજરાતમાં પાટીદાર આંદોલન સળગાવવા પાછળ PM મોદીનો માસ્ટરપ્લાન? ઇરાદા જાણીને ફિદા થશો

માત્ર 45 દિવસમાં 128 જેટલી રેલીમાં આશરે 15 લાખ પાટીદરોની જમાવટ પછી અમદાવાદમાં 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડથી શરૂ થનારી ક્રાંતિકુચ સાથે અનામતની માંગણી માટેનું પાટીદારોનું આંદોલન ચરમસીમાએ પહોંચે તેની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે ગુજરાતમાં ચૌદ વર્ષના એકહથ્થુ શાસન પછી રાજ્યના વિકાસના મોડલને આગળ ધરી લોકસભામાં બહુમતિ સાથે સફળતાપૂર્વક ભારતના વડાપ્રધાન પદે બિરાજનારા નરેન્દ્ર મોદીની મૂક સંમતિ વગર પાટીદારોનું આંદોલન આટલું પ્રચંડ બની શકે એવો પ્રશ્ન રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.

ભાજપાએ કેશુભાઇ પટેલના સ્થાને મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે તેમનો વિરોધ કરવાની આગેવાની લેનારા પાટીદાર ધારાસભ્યને થોડા સમય માટે હાંસિયામાં ધકેલી દઇ પાછળથી ગુજરાતમાં ભાજપાના ઉદય માટે મહત્ત્વનું યોગદાન આપનારી પટેલ લોબીનું સમર્થન અકબંધ રાખી શકાય એવા હેતુથી તેમને મંત્રી પદ આપનારા મોદીની મરજી વગર પટેલો કંઇ ન કરી શકે એવો તર્ક કરવો અસ્થાને નથી,

એક અગ્રણી વિશ્લેષકના જણાવ્યા મુજબ પાટીદાર આંદોલન પાછળ મોદીનો દોરીસંચાર હોઇ શકે એવા તર્કને વાસ્તિવિક તથ્યોનો આધારે સાબિત કરવો તો શક્ય જ નથી, પરંતુ આંદોલન ચલાવી રહેલા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)એ સરકાર દ્વારા તેમને મંત્રણા માટે બોલાવવામાં આવ્યા તે પહેલાં જ પાટીદારોને અનામતનો લાભ મેળવતા અન્ય પછાત જાતિઓ (ઓબીસી)ના જુથમાં સમાવી લેવાની પોતાની મૂળ માંગણી સ્વીકાર્ય ન હોય તો તેના બદલે કઇ રીતે સમધાનકારી વલણ અપનાવી શકાય તે માટે જે કેટલીક ફોર્મ્યુલા રજુ કરી છે, તેની રૂપરેખા તથા તાજેતરમાં જ શરૂ થયેલી પાટીદારઆંદોલન ડોટ ઓઆરજી નામની એક વેબસાઇટના હોમ પેજ પરનું સૂત્ર 'ધ વોર અગેઇન્સ્ટ રિઝર્વેશન' - આ બે હકીકતો આંદોલન પાછળના સાચા હેતુને ઉજાગર કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંદોલનનો સંભવિત સાચો હેતુ મોદીના મનસુબા સાથે કેવી રીતે સંકળાયેલો છે, તેના પર વિચાર કરીએ તો પોતે વડાપ્રધાન બન્યા આત્મવિશ્વાસપૂર્વક 2024 સુધી વડાપ્રધાન પદ પર રહેવાનો દાવો કરનારા મોદી કોઇ ચોક્કસ રણનીતિ વગર આવી વાત ન કરે એ સ્વાભાવિક છે. અને 2019ની સામાન્ય ચુંટણીમાં દેશની જનતાને અપીલ કરે એવો સર્વસામાન્ય મુદ્દો શોધવા ચુપકીદીથી ક્વાયત કરી રહ્યા હોય એ શક્ય છે. સમાજના વર્ગોમાં ગમે તેટલા ભાગલા હોય પરંતુ અનામત જાતિ આધારિત નહીં પરંતુ આર્થિક સ્થિતિ આધારિત હોવી જોઇએ એવા મત સાથે સંમત ન થતા હોય એવા વર્ગની સંખ્યા કુલ વસતીના 10 ટકાથી પણ ઓછી હશે. આવા સંજોગોમાં જો ગુજરાતમાં અનામતની સમસ્યાને લગતું આંદોલન શરૂ કરાવી, તેને અન્ય રાજ્યોમાં પણ પ્રસરાવી અને અંતે, આવા લોકજુવાળને આધાર બનાવી જાતિ આધારિત અનામતને બદલે આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતની પ્રથા લાગુ કરી શકાય અથવા તો એવો માહોલ પણ ઊભો કરી શકાય તો વિરોધીઓ ગમે તેટલા ધમપછાડા કરે તોય 2019ની સામાન્ય ચુંટણીમાં મોદીને 2/3 બહુમતી સાથે જીતતા કોઇ ન રોકી શકે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનકારીઓ દ્વારા સરકાર સાથે કોઇ પણ પ્રકારની મંત્રણાનો પ્રારંભ થાય એ પહેલાં જ સ્વયંભૂ રીતે જો પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ શક્ય ન હોય તો સમાધાન માટેની જે વૈકલ્પિક ફોર્મ્યુલા રજુ કરવામાં આવી છે, તેમાં આપવામાં આવેલા વિકલ્પોનો મુખ્ય આધાર અનામત જાતિ આધારિત નહીં, પરંતુ આર્થિક સ્થિતિ આધારિત હોવી જોઇએ એવો સિદ્ધાંત જ છે.

Comments