દાદરી મુદ્દે PM મોદીનું ડહાપણ: 'હું ખોટું કહું તો મને પણ ન સાંભળતા, રાષ્ટ્રપતિની વાત સાંભળો'

રાષ્ટ્રપતિની વાત સાંભળો, તેમના સંદેશથી મોટી કોઇ પ્રેરણા નથી : મોદી,  મારા બહાને મોદીએ દલિતોને શેતાન કહ્યા : લાલુ
પટણા:  આખરે દાદરીકાંડ અંગે વડાપ્રધાને મૌન તોડવું પડ્યું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની કડક શીખામણ મળી તેના એક દિવસ બાદ તેમણે જણાવ્યું હતું કે રાજકીય સ્વાર્થ માટે નેતાઓ મનફાવે તેવાં નિવેદનો કરે છે. તેમનાં નિવેદનો ઉપર ધ્યાન ન આપશો. નરેન્દ્ર મોદી પોતે પણ ખોટી વાત કરતાં હોય તો તે પણ ન સાંભળશો. માત્ર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સાંભળો. તેમના સંદેશથી મોટી કોઈ પ્રેરણા કે માર્ગદર્શન નથી.
દાદરીકાંડ અંગે મૌન સેવી રહેલા મોદી વિરોધીઓથી ઘેરાયેલા હતા. તેમના મૌનને કારણે બે સાહિત્યકારો નયનતારા સહેગલ અને અશોક વાજપાયીએ અકાદમી સાહિત્ય પુરસ્કારો પરત કરી દીધા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બુધવારે જણાવ્યું હતું કે આપણે દેશના સંસ્કાર મીટાવી દેવા ન જોઇએ. આપણે સાથે મળીને કામ કરવું પડશે.  બિહારમાં પહેલા તબક્કાના મતદાન માટેનો પ્રચાર શુક્રવારે બંધ થશે. તેના એક દિવસ પહેલાં મોદીએ મુંગેર, બેગુસરાય, સમસ્તિપુર, અને નવાદામાં રેલીઓ યોજી હતી. અંતિમ રેલી નવાદામાં હતી. જ્યાં તેમણે દાદરીકાંડનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે આપણે એ નક્કી કરવું પડશે કે હિન્દુઓએ મુસલમાનો સામે લડવું છે કે ગરીબી સામે. મુસલમાનોએ પણ એ નક્કી કરવું પડશે કે તેમણે હિન્દુઓ સામે લડવું છે કે ગરીબી સામે. હવે હિન્દુ અને મુસલમાન સાથે મળીને ગરીબીને હરાવશે તો જ દેશને લાભ થશે. દેશે સાથે મળીને રહેવું પડશે.  એકતા, ધાર્મિક સદભાવના, ભાઇચારો અને શાંતિથી જ દેશ આગળ વધી શકશે.
શેતાનને પણ લાલુનું જ શરીર મળ્યું
આ અગાઉની રેલીઓમાં મોદીએ લાલુનાં નિવેદનો ‘હિન્દુઓ પણ ગોમાંસ ખાય છે’ અને ‘શેતાને મારી પાસે બોલાવડાવ્યું’ ઉપર નિશાન સાધ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે સાચો યદુવંશી ગોપ્રેમી હોય છે. લાલુનાં નિવેદન ઉપર શરમ આવે છે. હવે તેઓ કહે છે કે તેમની અંદર શેતાન પ્રવેશી ગયો હતો. શેતાનને આખરે આખી દુનિયામાં પ્રવેશવા માટે લાલુનું જ શરીર કેમ મળ્યું લાલુપ્રસાદ પણ શેતાનની સરભરા જૂના સાથીની જેમ કરી રહ્યા છે. અમે એમ વિચારતા હતા કે અમારે માણસો સાથે લડવાનું છે પરંતુ હવે ખબર પડી કે અમારી લડાઈ શેતાન સાથે છે.
મહાસ્વાર્થબંધન બિગ બોસના ઘર જેવું છે
મોદીએ જણાવ્યું હતું કે આ મહાગઠબંધન નથી મહાસ્વાર્થ બંધન છે. આ બિગબોસના ઘર જેવું છે. જ્યાં લોકો સાથે રહે છે પણ એકબીજાનાં પડછાયાથી પણ ડરે છે. બધાને એક રિંગ લીડર નચાવે છે. તેનું કહેવું છે કે તે જે રીતે ઇચ્છશે તેવી રીતે બધાને નચાવશે. આ ત્રણેયનું ત્રેખડ ફરી બિહાર હડપવા માગે છે. નીતીશ જંગલરાજ ખતમ કરવાના નામે આવ્યા પણ ફરીથી જંગલરાજ લાવવા જ મથી રહ્યા છે. તેમણે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. બિહારને આવા બિગબોસથી બચાવવાનું છે.
મનમોહન નહોતા બોલતા, મોદી તમામ મુદ્દે કેમ બોલે : ગડકરી
બોલ્યા તો કેમ બોલ્યા અને ના બોલ્યા તો કેમ ના બોલ્યા આખરે આ બધું શું ચાલી રહ્યું છે? હવે વડાપ્રધાન શું દરેક વિષય પર બોલશે? ગૃહપ્રધાન અને અન્ય પ્રધાનો પણ છે જને. શું મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે દરેક વિષય પર બોલતા હતા? કેટલાક લોકો દરેક મુદ્દે મોદીને જવાબદાર ગણાવવા લાગ્યા છે. એક નાનું ગ્રુપ મોદીને વડાપ્રધાન પદે પચાવી શકી રહ્યું નથી. આ લોકો બધી વાત માટે મોદીને જવાબદાર ગણાવી દે છે. શું કોંગ્રેસના સમયમાં તોફાનો નહોતાં થતાં? ત્યારે તો કોઇ નહોતું પૂછતું. હવે ભગવા પહેરેલા કોઇ પણ કાંઇ બોલી દે તો તેને ભાજપ, સંઘ અને મોદી સાથે જોડવાના પ્રયાસ થવા લાગે છે. સરકારનો ઇરાદો બિલકુલ સ્પષ્ટ છે. સૌનો સાથ-સૌનો વિકાસ. અમે કોઇ કોમ્યુનિટીની વિરુદ્ધ નથી. - નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન

Comments