SCAનો મહત્વનો નિર્ણય, એક વ્યક્તિને બે ટિકિટ, આઇડી પ્રૂફ ફરજીયાત

રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ અને ઇન્સેટમાં સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો લોગોરાજકોટઃ આવતી 18 ઓક્ટોબરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચ રમાનાર છે. આ મેચમાં પાટીદારો દ્વારા દેખાવો કરવામાં આવશે તેમજ ખુદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આવનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે કે, એક વ્યક્તિને બે જ ટિકિટ આપવામાં આવશે તેમજ ટિકિટ ખરીદનાર લોકોએ પોતાના આઇડી પ્રૂફ આપવા પડશે. આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેર કરે તેવા સમાચાર મળી રહ્યા છે.
 
રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમમાં મેચ રમાનાર છે. ક્રિકેટ મેચની સાથે સાથે પાટીદારો પણ દેખાવો કરશે. હાર્દિક પટેલની મેચમાં વિરોધની જાહેરાતના પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે તેવું જાણવા મળી રહ્યું છે. મેદાન પર ક્રિકેટરો વચ્ચે જંગ ખેલાશે જ્યારે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પાટીદારો અનામત મુદ્દે વિરોધ કરશે. 
 
રાજકોટમાં જામ્યો ક્રિકેટ ફીવર, લાગ્યા ખેલાડીઓના બેનર
 
18 ઓક્ટોબરના રોજ રમાનાર ક્રિકેટ મેચને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. રાજકોટની હોટલોમાં ક્રિકેટરોના બેનરો લાગી ગયા છે. રાજકોટની હોટેલ બહાર અને હોટલ પર બન્ને ટીમના એટલે કે ભારત અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓના બેનરો લાગી ગયા છે.

Comments