અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાના ચાહકોને માટે સચિન V/s વોર્નનો જંગ

આગામી નવેમ્બરમાં ત્રણ ટ્વેન્ટી-૨૦ની શ્રેણી

ક્રિકેટનું વૈશ્વિકરણ કરવાની ઈચ્છા ઃ સચિન


નવી દિલ્હી, તા. ૬
સચિન તેંડુલકરે અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાના દેશોના ક્રિકેટ ચાહકોને નજરમાં રાખી ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણી ન્યુયોર્ક, હ્યુસ્ટન અને લોસ એંજલસમાં યોજવાની પહેલ કરી છે. તેંડુલકર અને વોર્નના આ પ્રસ્તાવને આઇસીસી અને અમેરિકાના ક્રિકેટ એસોસિએશને પણ મંજૂરી આપી છે.
આગામી નવેમ્બરમાં યોજાનાર આ મુકાબલાનું નામ ''સચિન બ્લાસ્ટર્સ'' વિરૃધ્ધ ''વોર્નસ વોરિયર્સ'' તેવું રહેશે.
તેંડુલકરે તેની આ શ્રેણીના પ્રયોજન અંગે જણાવ્યું હતું કે અમેરિકામાં એવા મોટી સંખ્યાના ચાહકો છે જેઓએ અમારા જેવા ક્રિકેટરોને મેદાન પર રમતા જોયા નથી. આમાંના ઘણા ક્રિકેટ ચાહકો તો ખાસ ભારત સહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને રમતા જોવા ભારત સુધી આવતા હતા. આથી મેં વિચાર્યું કે આ ચાહકોને હજુ પણ અમારા જેવા થોડા અરસા અગાઉ નિવૃત થયેલા ક્રિકેટરોને રમતા જોવાનું આકર્ષણ છે તો બીજી તરફ અમને પણ ક્રિકેટ રમવાની તાલાવેલી છે જ.
તેંડુલકરે આશા વ્યક્ત કરી હતી કે આ રીતે ક્રિકેટ પ્રત્યે જ્યાં ક્રિકેટની પહેચાન નથી તેવા દેશોને પણ ઇંતેજારી જાગશે. ક્રિકેટનું વૈશ્વિકરણ થઇ શકે તેમ છે.
ફ્લોરિડામાં તો આવા જ પ્રવાસ હેઠળ આઇસીસીએ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈંડિઝ વચ્ચે વન ડે ઈન્ટરનેશનલ રમાડવાનું નક્કી કર્યું છે. સચિન અને ગાંગુલી ઓપનિંગમાં આવશે અને સામે છેડે એમ્બ્રોસ - મેકગ્રા બોલિંગ નાંખશે તેવી મેચ આ વન ડે ઈન્ટરનેશનલ અગાઉ ખાસ્સો ટેમ્પો જન્માવશે તેમ તેંડુલકરે કહ્યું હતું.
તેંડુલકર તો આ શ્રેણી માટે એટલો ઉત્સાહિત છે કે તેણે ગંભીરતાથી પ્રેકટિસ કરવાનું પણ નક્કી કર્યું છે.


તેંડુલકર -વોર્નની લીગમાં કોણ કોણ ?
ભારત ઃ તેંડુલકર, ગાંગુલી, લક્ષ્મણ અને અગરકર.
ઓસ્ટ્રેલિયા ઃ વોર્ન, પોન્ટીંગ, હેડન, મેક્ગ્રા,હેડ્ડીન.
સાઉથ આફ્રિકા ઃ કાલીસ, પોલોક, ક્લુઝનર, રોડ્ઝ, ડોનાલ્ડ.
ઈંગ્લેન્ડ ઃ સ્વોન અને વૉન.
વિન્ડિઝ ઃ લારા,વોલ્શ અને એમ્બ્રોસ.
શ્રીલંકા ઃ સંગાકારા, મુરલીધરન.
પાકિસ્તાન ઃ અકરમ, અખ્તર, મુસ્તાક, મોઇન

Comments