કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા રાંધેજા બેઠક ભાજપને બિનહરીફ મળી

જિલ્લા પંચાયતની રાંધેજાની બેઠક પર આખરે ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારે આજે જ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની મનની મનમાં રહી જવા પામી છે. એટલું જ નહિ ભાજપના એક પાટીદાર ધારાસભ્યને સાથે રાખી કોંગ્રેસ જે રમત ગોઠવીને બેઠું હતું તે તમામ પાંસા અવળા પડવા પામ્યા છે. ભાજપના મહિલા ઉમેદવારના પતિદેવ સચિવાલય બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હોવાથી નાક દબાવવામાં આવ્યું હોવાની પણ વિગતો ચર્ચામાં આવી છે.
રાંધેજા બેઠક પર એક જ પરિવારમાંથી બે સભ્યો ચુંટણી જંગમાં હતાં. ભાજપમાંથી સુશિલાબેન અરવિંદસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસમાંથી શોભાબા શંકરજી વાઘેલાએ ઉમેદવારી કરી હતી. બંને ઉમેદવારો સાસુ-વહુના સંબંધથી જોડાયેલા છે. બીજીતરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના એક પાટીદાર ધારાસભ્ય સહિતનાઓની સાથે હાથ મિલાવીને રાંધેજાની બેઠક કોંગ્રેસને બિનહરીફ મળે તેવા પ્રયાસો જારી કર્યા હતા. બંધ બારણે ચાલતું આખું કૌભાંડ બહાર આવી જતાં ભાજપની પ્રદેશ મોવડી સજાગ બની હતી.
 ઉલ્લેખની છે કે, ભાજપના મહિલા ઉમેદવાર સુશીલાબેનના પતિ અરવિંદસિંહ વાઘેલા હેડ કોન્સ્ટેબલ છે અને અત્યારે સચિવાલય બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તે ગાંધીનગર એલસીબીમાં હતા. ભાજપે ખેલ નાંખી દીધો. જોકે ભાજપના કેટલાક આમાં ઉંઘતા ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ ભાજપમાંથી સુચના આવ્યા બાદ એક હોદ્દેદાર મેદાનમાં ઉતર્યા અને ગોપનીય મિટીંગ ચાલુ થઈ હતી. આજે ફોર્મ ચકાસણીની કામગીરી પુરી થઈ ગયા બાદ બપોરે ત્રણ ક્લાકે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારબાદ બપોરે ચાર ક્લાકે કોંગ્રેસના મહિલા ઉમેદવાર શોભાબાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં રાંધેજાની બેઠક ભાજપને બિનહરીફ મળી જવા પામી છે. આ સમગ્ર ઓપરેશનથી કોંગ્રેસની સમગ્ર નેતાગીરી ઉંઘતી ઝડપાઈ છે. કોંગ્રેસને છેક સુધી રાંધેજાની બેઠક પોતાને બિનહરીફ મળશે તેવો આત્મવિશ્વાસ હતો પણ વધુ પડતો આત્મવિશ્વાસ તેમના માટે ઘાતક નિકળ્યો છે. કોંગ્રેસે પોતાના બીજા ઉમેદવાર વર્ષાબેન રસિકભાઈ ઠાકોરને મેન્ડેટ આપ્યો નહતો આથી તેમનું ફોર્મ સ્ક્રુટિનીમાં રદ થયું હતું.

Comments