પેરિસમાં શૂટઆઉટ, માસ્ટરમાઇન્ડ અબ્દેલનું કથિત મોત

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ગત શુક્રવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાના કાવતરાખોરોને શોધી કાઢવાના વ્યાપક અભિયાન અંતર્ગત બુધવારે મળસ્કે પેરિસ પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પેરિસના પરાં સેન્ટ ડેનિસ ખાતેના એપાર્ટમેન્ટ પર દરોડા પાડયા હતા.
 પોલીસે પેરિસ હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દેલ હામિદ અબાઔદને ઝડપી લેવા સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ તેના મોત અંગે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પોલીસ સાથેની અથડામણમાં અબ્દેલ હામિદ માર્યો ગયો છે. ભારત ખાતેના ફ્રેન્ચ રાજદૂત ફ્રાન્કોઇસ રિચીરે જણાવ્યું હતું કે ઓપરેશનમાં અબ્દેલ હામિદે આત્મહત્યા કરી લીધી હોવાના સંકેત મળી રહ્યાં છે. અમે તેના સત્તાવાર સમર્થનની રાહ જોઇ રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે અબ્દેલ હામિદે પોતાને ગોળી મારી લીધી હતી જ્યારે તેની સાથે રહેલી તેની પત્નીએ પોતાને આત્મઘાતી વિસ્ફોટમાં ઉડાવી દીધી હતી.
પેરિસના પ્રોસિક્યુટર ફ્રાન્કોઇસ મોલિન્સે જણાવ્યું હતું કે  બાતમી મળી હતી કે આ સ્થળે પેરિસ હુમલાનો માસ્ટર માઇન્ડ અબ્દેલ હામિદ સંતાયેલો છે. આ એન્કાઉટરમાં ત્રણ આતંકીઓના મોત થયાં હતાં. પોલીસે સાત શંકાસ્પદ લોકોની પણ ધરપકડ કરી છે હાલ પોલીસ માર્યા ગયેલા આતંકીઓની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. એપાર્ટમેન્ટમાં સંતાયેલા આતંકવાદીઓએ પોલીસ પર વળતો હુમલો કરી ઓછામાં ઓછા સાત વિસ્ફોટ કર્યાં હતાં. લગભગ સાત કલાક ચાલેલી અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયાં હતાં. કાર્યવાહી દરમિયાન પેરિસ પોલીસના એક અધિકારી
નું મોત થયું હતું અને ચાર પોલીસ કર્મચારી ઘવાયાં હતાં.
કોણ છે અબ્દેલ હામિદ?
અબ્દેલ હામિદને આઇએસમાં અબુ ઉમર અલ બાલ્જીકીના નામે ઓળખાય છે. મોરક્કોના એક દુકાનદારનો દીકરો ૨૭ વર્ષીય અબ્દેલ હામિદ ૨૦૧૩માં સીરિયા પહોંચી આઇએસમં જોડાયો હતો. તેણે તેના ૧૩ વર્ષના ભાઇને પણ આઇએસમાં સામેલ કર્યો હતો. અબ્દેલ હામિદ આઇએસના વડા બગદાદીનો નિકટનો મનાય છે.
અમેરિકામાં મસ્જિદો પર હુમલા
પેરિસમાં આતંકી હુમલાના પરિણામો અમેરિકામાં વસતા મુસ્લિમો ભોગવી રહ્યાં છે. ઇસ્લામિક સેન્ટરો, મસ્જિદોમાં તોડફોડ, ટેલિફોન પર ધિક્કારના સંદેશા, ઓનલાઇન સંદેશા અને હિંસાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પેરિસ હુમલાના થોડા જ કલાકો બાગ મેરિડેનની મસ્જિદ પર ગોળીબાર કરાયાં હતાં. નેબ્રાસ્કા, ફ્લોરિડા, ટેક્સાસ, કેન્ટુકી, વર્જિનિયા, ટેનેસ્સી, ઓહિયો,ન્યૂયોર્ક અને અન્ય રાજ્યોમાં મસ્જિદોને લક્ષ્યાંક બનાવતી તોડફોડ, ધમકીઓ અને હેટક્રાઇમ્સ નોંધાયાં છે.
બોંબની અફવાથી એર ફ્રાન્સની બે ફ્લાઇટ ઉતારાઇ
અમેરિકાથી પેરિસ જઇ રહેલી એર ફ્રાન્સની બે ફ્લાઇટમાં બોંબ મુકાયાની ધમકી મળતાં બંને ફ્લાઇટને ડાઇવર્ટ કરી ઉતારાઇ હતી. કેનેડા અને અમેરિકાના સત્તાવાળાઓએ સઘન તપાસ બાદ ફ્લાઇટ રવાના કરવાની પરવાનગી આપી હતી. લોસ એન્જલસથી પેરિસ જતી ફલાઇટને સોલ્ટ લેક સિટી ખાતે ઉતારાઇ હતી જ્યારે વોશિંગ્ટનથી પેરિસ જતી ફલાઇટને હેલિફેક્સમાં ઉતારાઇ હતી.
શાર્લી હેબ્દોનો પ્રત્યાઘાત F**k them, we have champagne
શાર્લી હેબ્દોએ પેરિસ હુમલા પર પ્રત્યાઘાત આપતાં મેગેઝિનના કવર પેજ પર મૂકેલા કાર્ટૂનમાં કટાક્ષ કર્યો છે કે તેમની પાસે શસ્ત્રો છે. તો અમારી પાસે શેમ્પેઇન છે. ફ્રેન્ચ ભાષામાં લખાયેલા કાર્ટૂનનો અંગ્રેજીમાં અર્થ થાય છે "They have weapons. F**k them, we have champagne."
  • ૪:૦૦કલાકે સવારે ઓપરેશનનો પ્રારંભ
  • ૫૦ પોલીસકર્મીઓએ ઓપરેશન શરૃ કર્યું
  • ૭:૩૦કલાક સુધીમાં ૭ બોંબ વિસ્ફોટ
  • ૫૦૦થી વધુ રાઉન્ડ ગોળીબાર
  • ૦૧ મહિલા આતંકીએ વિસ્ફોટ કરી આત્મહત્યા કરી
  • ૦૨ આતંકી ગનફાઇટમાં માર્યા ગયાં
  • ૦૭ શંકાસ્પદોની ધરપકડ
  • ૦૧પોલીસકર્મીનું મોત, ચાર ઘાયલ

Comments