અમારી પાસે નથી પૈસા અને કોંગ્રેસ ચૂંટણી લડવા નથી આપી રહી પૂરતો ટેકો!

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિશે રોજ નવીનવી માહિતી આવી રહી છે ત્યારે ખબર પડી છે કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી આર્થિક તંગીને કારણે પાછી ખેંચી લીધી છે. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3થી ઉમેદવાર જાહેર કરાયેલા વિરલ તળપદા ઉમેદવારી પાછી ખેંચી લેવાનું પોતાનું કારણ જણાવતા કહે છે કે મને થોડી આર્થિક સમસ્યા છે અને પાર્ટીનું વલણ પણ સંતોષ
કારક નથી જેના કારણે જ મેં મારી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. 

આવી જ હાલત છે કરિશ્માબહેન ગોહિલની જેમને કોંગ્રેસે નડિયાદ નગરપાલિકાના વોર્ડનંબર 11થી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી. કરિશ્માબહેન ફેશન ડિઝાઇનિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. કરિશ્માબહેનની ઉમેદવારી પાછી ખેંચી લેવાનું કારણ જણાવતા દીપકભાઈ કહે છે કે 'મારી પત્નીને ટિકિટ આપવામાં આવી હતી પણ મારી આર્થિક હાલત ચૂંટણી લડવા જેવી નથી. જ્યારથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારથી ઉધારી આપવાવાળા પણ પૈસાની પાછળ પડ્યા છે. ધંધામાં સામાન્ય રીતે બાકી રહેતા પૈસા પણ હમણાં પાછા લેવાની જીદ કરી રહ્યા છે. ચૂંટણી લડવામાં સામાન્ય રીતે ખર્ચો તો થાય જ છે. મેં પક્ષને વાત કરી હતી પણ તેઓ અમને ટેકો નથી આપી રહ્યા.'

ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ બિનહરિફ પ્રતિનિધિ ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકામાંથી ચૂંટાઈ ગયા છે.  નગરપાલિકાના વોર્ડ નંબર 3થી બીજેપીના ચારેય પ્રતિનિધિ બિનહરિફ ચૂંટાયા છે જ્યારે 7 અને 11 નંબરના વોર્ડમાંથી બે-બે પ્રતિનિધિ બિનહરિફ ચૂંટાયા છે. નડિયાદ નગરપાલિકામાંથી પાછા ખેંચી લેવામાં આવેલા નામાંકનોમાં મુખ્ય કારણ ઉમેદવારો પૈસાની તંગી જણાવી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના નડિયાદ શહેર પ્રમુખ જિતેન્દ્રભાઈ પટેલ આ વાતથી સહેમત નથી. 'ઉમેદવારોની પસંદગી તેમના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડને જોઈને જ કરવામાં આવી હતી. આ વાત અમારા ગળે પણ નથી ઉતરતી કે ક્યાં દબાણ હેઠળ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.' જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું. જોકે નડિયાદ નગરપાલિકાના વોર્ડનંબર 11ના કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલ માને છે કે આર્થિક તંગી સિવાય માનસિક દબાણને કારણે તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. 

આર્થિક સમસ્યાને મામલે ઉમેદવારીપત્રક પાછું ખેંચાવાના મુદ્દે જ્યારે sandesh.com દ્વારા કોંગ્રેસના પ્રવક્તા મનીષ એમ. દોશી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે 'બીજેપીએ ચૂંટણી લડવાનું મોંઘું કરી દીધું છે. જોકે અમારા ધ્યાનમાં આવો મામલો નથી આવ્યો પણ જો એવું કંઈ હશે તો એના પર ધ્યાન દેવામાં આવશે.' 

નોંધનીય છે કે આગામી 56 નગરપાલિકાની ચૂંટણીમાં 5803 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. જેમાંથી 484 ફોર્મ પરત ખેંચાયા છે. ઉમેદવારી પાછી ખેંચવાના કારણે બીજેપીના નગરપાલિકા અને મહાનગરપાલિકાના કુલ 33 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમાં નડિયાદ પછી સુરેન્દ્રનગર અને દાહોદમાં સૌથી વધારે બીજેપી ઉમેદવારો બિનહરિફ જીત્યા છે. આ ચૂંટણીમાં ભાજપના 1945, કોંગ્રેસના 1801, અન્ય પક્ષના 468 અને અપક્ષના 1082 ઉમેદવારો મેદાનમાં છે.

Comments