તાંદલજા અને નિઝામપુરામાં તસ્કરોનો હાથફેરો : રૂ.૨.૭૫ લાખની મત્તા ચોરાઈ

વડોદરા : શહેરના તાંદલજા અને નિઝામપુરા વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો બે બંધ મકાનને નિશાન બનાવીને રૂ. ૨.૭૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. તાંદલજા સ્વાગત ડુપ્લેક્સની સામે વિકાસ નગર-૧ માં રહેતા મનીષભાઈ સાતલાણી ખાનગી કંપનીમાં ડે.મેનેજર તરીકે નોકરી કરે છે. તા.૧૨ મીએ બેસતા વર્ષના દિવસે તેઓ મકાન બંધ કરીને સુરત ખાતે ગુરુજીના દર્શન કરવા માટે ગયા હતા. તા. ૧૪ મીએ સાંજે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. બારીની ગ્રીલ તોડીને ઘૂસેલા ચોર રૂ. ૧.૪૮ લાખની કિંમતના સોનાના દાગીના તથા રોકડા રૂ. ૬૦ હજાર મળીને કુલ રૂ. ૨.૦૮ લાખની કિંમતની મત્તા ચોરી ગયા હતા. જે.પી.રોડ પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ શરૂ કરી છે.
નિઝામપુરા સરદારનગરમાં રહેતા ભાનુમતીબેન ઈન્દ્રવદન પાઠક ગઈ તા. ૧૦ મીએ મકાન બંધ કરીને અંબાજી દર્શન કરવા ગયા હતા. તા.૧૨ મીએ તેઓ પાછા આવ્યા હતા. ત્યારે ઘરમાં ચોરી થયા અંગે જાણ થઈ હતી. મકાનમાં મંદિરની બારી તોડીને પ્રવેશેલા ચોર રૂ. ૬૯,૨૦૦ ની મત્તા ચોરી ગયા હતા. ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Comments