પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ બેઠક માટે ૧૧૪ ઉમેદવારો વચ્ચે જંગ

પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે કુલ ૧૮૯ ઉમેદવારી ફોર્મમાંથી ૭૧ ફોર્મ અમાન્ય રહ્યા હતા. જ્યારે અપક્ષના ચાર ઉમેદવારોએ તેઓના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેતા શહેરના ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે કુલ ૧૧૪ ઉમેદવારો ચૂંટણી જંગ લડશે. વોર્ડ-૪માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભાજપમાં ભળી જતાં તેમજ મતદાર યાદીમાં નામ ન હોય તેમનું ફોર્મ રદ થયું હતું.
નવા સીમાંકન મુજબ ૧૪ વોર્ડને ૧૧ વોર્ડમાં સમાવેશ કરી લેવાયા છે ત્યારે ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠક માટે નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. પ્રાંત કચેરી ખાતે પાલિકાની ચૂંટણી લડવા કુલ ૧૮૯ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી ૭૧ ફોર્મ અમાન્ય થતા ૧૧૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આજે કુલ ચાર અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું હતુું. જેમાં ભાજપના ૪૪, કોંગ્રેસના ૪૩, અપક્ષના ૧૮, બહુજન મુક્તિ પાર્ટીના ર, બી.એસ.પી.ના ૬ અને જે.ડી.યુ.ના ૧ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
પાલનપુર પાલિકા માટે ૧૧૦ ઉમેદવારો વચ્ચે જંગ
પાલનપુર : પાલનપુર નગરપાલિકાની ચૂંટણી આગામી તા. ર૯ નવેમ્બરના રોજ યોજાનાર છે, જેમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે આજે ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લો દિવસ હોઈ ભાજપ- કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવવા માટે ભારે પડાપડી જોવા મળી હતી અને આજે છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૭૧ ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા, જેમાં ફોર્મ ચકાસણીમાં પપ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. અને આજે ૬ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં હવે ૧૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાનાર છે.
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી જાહેર કરતાં જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો, ત્યારબાદ તા. પ નવેમ્બરથી ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ રજુ કરવાની શરૂઆત થઈ હતી, ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૭૧ ફોર્મ રજુ કરવામાં આવ્યા હતા, જે ફોર્મ ચકાસણી દરમ્યાન પપ ફોર્મ રદ થતાં ૧૧૬ ફોર્મ બાકી રહ્યા હતા, તે પૈકી આજે ફોર્મ પરત ખેંચવાની તારીખે ૬ ફોર્મ પરત ખેંચાયા હતા, જેમાં વોર્ડ નં. ૩ માંથી ૧ અને ૪ માંથી ૧ તથા વોર્ડ નં. પ માંથી ૧ ફોર્મ પરત ખેંચાયુ છે. જ્યારે વોર્ડ નં. ૭ માંથી ૧ અને ૮ માંથી ર ફોર્મ પરત ખેંચાયા છે.

Comments