- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ફ્રાન્સનાં ૧૨ યુદ્ધ વિમાનોએ ISના ગઢ સમાન
રક્કામાં ધબધબાટી બોલાવી
પર્શિયન ગલ્ફમાં પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ ચાર્લ્સ દ ગોલ મોકલવાની તડામાર તૈયારી હાથ ધરી
પેરિસમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા શુક્રવારે રાત્રે કરાયેલા હુમલાના બે દિવસ બાદ ફ્રાન્સની સંસદને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ હોલાન્દેએ ઇસ્લામિક સ્ટેટ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટનો સફાયો અમારું એક માત્ર લક્ષ્યાંક છે.
ફ્રાન્સે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામે કાર્યવાહી હાથ ધરતાં રવિવારે મોડી રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો હવાઇહુમલો કર્યો હતો. સીરિયામાં આઇએસના કબજા હેઠળના વિસ્તારમાં આતંકવાદી સંગઠનની કહેવાતી રાજધાની રક્કાને ફ્રાન્સના યુદ્ધવિમાનોએ બોમ્બમારો કરી ધમરોળી નાખ્યું હતું. ફ્રાન્સનાં ૧૨ યુદ્ધવિમાનોએ જોર્ડન અને પર્શિયન ગલ્ફમાંથી અમેરિકી દળો સાથે સંકલન સાધી ઉડાન ભરી હતી. રક્કામાં ઇસ્લામિક સ્ટેટનાં ઠેકાણાઓ પર વિમાનોએ ૨૦ બોમ્બ વરસાવ્યા હતા. ફ્રાન્સ પર્શિયન ગલ્ફમાં તેનું પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ ચાર્લ્સ દ ગોલ મોકલવાની પણ તડામાર તૈયારી કરી રહ્યો છે. ફ્રાન્સનાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્રાન્સનાં યુદ્ધવિમાનોએ સૌથી પહેલાં ઇસ્લામિક સ્ટેટની એક કમાન્ડ પોસ્ટને ઉડાવી દીધી હતી, જેમાં આઇએસનું એક નિયુક્તિ કેન્દ્ર અને શસ્ત્રાગાર આવેલાં હતાં. બીજા હુમલામાં આઇએસની એક તાલીમી છાવણી ઉડાવી દેવામાં આવી હતી. અમેરિકી દળો સાથેનાં સંકલનમાં કરાયેલા આ હુમલામાં ફ્રાન્સનાં વિમાનોએ જોર્ડન અને યુએઇનાં વિમાની મથકો ખાતેથી ઉડાન ભરી હતી. હુમલા બાદ ફ્રેન્ચ એરફોર્સે બોમ્બિંગ મિશનનો વીડિયો જારી કર્યો હતો. રક્કાની સ્થાનિક હોસ્પિટલોનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રાન્સના હુમલામાં કોઇ નાગરિક હતાહત થયો નહોતો. ચાર્લ્સ દ ગોલ પર્શિયન ગલ્ફમાં પહોંચ્યા બાદ ફ્રાન્સ આઇએસ પરના હુમલાને વેગ આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દેએ જણાવ્યું હતું કે પેરિસ પરનો હુમલો યુદ્ધનું કૃત્ય છે.
યુરોપમાં વધુ આતંકી હુમલાની સંભાવના
ફ્રાન્સના પીએમ મેન્યુઅલ વોલ્સે આવનારા સમયમાં યુરોપમાં વધુ આતંકવાદી હુમલા થવાનો ભય વ્યક્ત કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસો અને સપ્તાહોમાં આતંકવાદી હુમલાઓ માટે યુરોપે તૈયાર રહેવું જોઇએ.
ઇરાકે આતંકી હુમલાની ચેતવણી આપી હતી
ઇરાકના વરિષ્ઠ ગુપ્તચર અધિકારીઓએ એક દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ સામે લડી રહેલા દેશોમાં બોમ્બવિસ્ફોટ અથવા અન્ય રીતે હુમલા કરવા આતંકી સરગણા અબુ બક્ર અલ બગદાદીએ આદેશ આપી દીધો છે.
હેકર ગ્રૂપે IS સામે સાયબર યુદ્ધ જાહેર કર્યું
એનોનિમસ હેકર ગ્રૂપે ઇસ્લામિક સ્ટેટ સામે સાયબર વોરની જાહેરાત કરી છે. એક વીડિયોમાં ગ્રૂપે આઇએસને ચેતવણી આપી છે કે તમારે જાણી લેવું જોઇએ કે અમે તમને શોધી કાઢીશું અને છોડીશું નહીં.
અમેરિકાએ આઈએસની સેંકડો ઓઇલ ટ્રકો ફૂંકી મારી
ઇસ્લામિક સ્ટેટ પર સકંજો કસતાં અમેરિકાનાં યુદ્ધવિમાનોએ સોમવારે ઇસ્લામિક સ્ટેટની સેંકડો ઓઇલ ટ્રકો ફૂંકી મારી હતી. આ ટ્રકોનો ઉપયોગ ઇસ્લામિક સ્ટેટ સીરિયામાં ઉત્પન્ન થતાં ક્રૂડતેલની દાણચોરીમાં કરતું હતું. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટનાં નિયંત્રણ હેઠળના દેર અલ ઝૌર નજીક ૧૧૬ ઓઇલ ટ્રકો ફૂંકી મારવામાં આવી હતી. તુર્કીમાં તૈનાત અમેરિકી હવાઇદળનાં ચાર એ-૧૦ અને બે એસી-૧૩૦ યુદ્ધવિમાનોએ આ હુમલો કર્યો હતો. આ હુમલાની યોજના પેરિસમાં થયેલા આતંકવાદી હુમલા પહેલાં બનાવવામાં આવી હતી. ઇસ્લામિક સ્ટેટ ક્રૂડતેલની દાણચોરી દ્વારા દર મહિને કરોડો ડોલરની કમાણી કરી રહ્યું છે. આ હુમલો આતંકી સંગઠનની આર્થિક કરોડરજ્જુ તોડવા કરાયો હોવાનું માનવામાં આવે છે.
વોશિંગ્ટનમાં હુમલો કરવા ંજીની ધમકી
સોમવારે જારી કરેલા એક નવા વીડિયોમાં ઇસ્લામિક સ્ટેટે વોશિંગ્ટન પર હુમલો કરવાની ધમકી આપી છે. વીડિયોમાં એક વ્યક્તિ એમ કહી રહી છે કે સીરિયામાં હવાઇહુમલા કરી રહેલા દેશોની હાલત ફ્રાન્સ જેવી થશે. અમે ફ્રાન્સના હાર્દસમા પેરિસ પર હુમલો કર્યો છે, તેવી જ રીતે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં હુમલો કરીશું, જોકે આ વીડિયોની ખરાઇ હજુ સુધી કરાઇ નથી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment