પાકિસ્તાન આતંકવાદીઓનું કારખાનું છે, તેને ભારખાનું બનાવી દેવાનું છે



પેરિસના આતંકવાદી હુમલામાં ૧૨૯ જણાનાં મોત થવાને પગલે શિવસેનાએ આજે જણાવ્યું હતું કે ભારતમાં કાશ્મીરમાં વારંવાર આઇએસઆઇએસના ઝંડા ફરકાવવાની ઘટનાઓ સામે કડક હાથે કામ લેવાનો સમય પાકી ગયો છે. આતંકવાદીઓ માટે માનવાધિકારની દુહાઇઓ આપવાનું બંધ કરવું જોઇએ. હવે તો આતંકીઓને જડમૂળમાંથી ઉખેડી ફેકવાની જરૃર છે.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં જણાવ્યું છે કે પેરિસ પર થયેલા હુમલાઓની જવાબદારી લેનાર આઇએસઆઇએસ છેલ્લા થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં પણ સક્રિય બની ગયું છે. ભારતમાં કાશ્મીરમાં વારંવાર આઇએસઆઇએસના ઝંડા ફરકાવવાની ઘટનાઓ એ ગંભીર બાબત છે.પેરિસમાં જનસંહાર બાદ આપણે આ ઘટનાઓને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે. શિવસેનાએ ભારપૂર્વક તેના મુખપત્રમાં છપાયેલા અગ્રલેખમાં જણાવ્યું છે કે ભારતે એ બાબત સમજી લેવાની જરૃર છે કે પશ્ચિમના દેશોની આતંકવાદની લડાઇ માત્ર તેમના હિતો સુધી જ સીમિત છે. આપણે આતંકવાદ સામે આપણી રીતે લડવાની જરૃર છે.

પાકિસ્તાન સહિત ઘણા દેશોએ પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાઓની નિંદા કરી છે. આપણે તો માત્ર હસવાનું રહ્યું કે પાકિસ્તાન જેવો દેશ આ આતંકવાદી હુમલાઓની નિંદા કરી રહ્યો છે. આપણો આ પાડોશી દેશ તો એક એવું કારખાનું છે જ્યાં આતંકવાદીઓ બનાવવામાં આવે છે. જ્યાં સુધી અમેરિકા અને યુરોપમાં તેમની ધરતી પર આતંકી હુમલાઓ ન થાય ત્યાં સુધી તેઓ ભારતની વેદના સમજી શકતા નથી. જોકે  અમે તેમાં ઉમેરો કરતાં લખીશું કે આ કારખાનાને ભારખાનામાં ફેરવી દેવાની જરૂર છે

સામનામાં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓ હવે તો યુરોપિયન દેશોને પણ છોડતા નથી. એક સમયે અભેદ્ય ગણાતી તેમની દીવાલોમાં પણ તિરાડો વધી રહી છે. બીજા વિશ્વયુદ્ધ પછી કોઇ એક ઘટનામાં આટલા બધા લોકોનું મોત થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. યુરોપે આમાંથી પાઠ ભણવો જોઇએ. આતંકવાદીઓ સાથે પનારો પાડતી વખતે માનવાધિકારની વાતો બંધ કરવી જોઇએ અને આતંકવાદીઓને તો જડમૂળમાંથી  ઉખેડી ફેંકવા જોઇએ.

Comments