એરટિકિટ્સનું બુકિંગ કરાવી યુકેની કંપની સાથે ૧૨ લાખની ઠગાઈ

લંડન-સ્થિત કંપનીની અમદાવાદની બ્રાન્ચમાં યુકેથી ખુદ કંપનીના મેનેજરના નામે ભળતો ફોન કરી ફ્લાઇટની ટિકિટો બુક કરાવી ૧૨ લાખની ચિટિંગ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોગસ ફોન દ્વારા અમદાવાદની બ્રાંચના કર્મીને અમદાવાદથી દ. આફ્રિકાની ફ્લાઇટની ૩૭ ટિકિટો બુક કરાવી હતી. ટિકિટો બુક કરાવનાર કર્મીને આ છેતરપિંડીની ગંધ આવી જતા તેણે ૨૧ ટિકિટો રદ કરાવી હતી, પરંતુ ૧૮ ટિકિટો પર ભળતા લોકોએ જ મુસાફરી કરી લીધી હોવાથી કંપની દ્વારા ૧૧.૮૨ લાખની ચિટિંગની ફરિયાદ નોંધાવાઇ હતી.
લંડનની પ્રાઇવેટ નેટવર્ક સિક્યુરિટી પ્રોડક્ટે અમદાવાદમાં કામ કરતાં અતહર અબ્દેરહેમાન મીર પર યુકેથી ફોન આવ્યો અને જણાવ્યું કે, 'મેનેજર બોલું છું લંડનની ટિકિટ બુકિંગ સિસ્ટમ અપડેટ થઇ રહી છે તો ૩૭ ફ્લાઇટની ટિકિટો બુક કરી મોકલાવો'.જેથી અતહરે ટિકિટો મોકલી આપી, દરમ્યાનમાં કંપનીના કર્મીઓ સિવાયની ટિકિટો આવતા તેને શંકા જતાં તેને લંડનની ઓફિસમાં તપાસ કરતા આવી કોઇ ટિકિટ બુકિંગ કરાવી નથી તેમ જાણ થઇ હતી. તેથી અતહરે ટિકિટો કેન્સલ કરાવવા પ્રયત્ન કરી ૨૧ ટિકિટો કેન્સલ કરાવી પણ ૧૮ ટિકિટો પર પેસેન્જરો સા. આફ્રિકા, નાઇજીરિયા ચાલ્યા ગયા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવતા પોલીસે વ્યવહાર થયેલા ઇમેલ આઇડી, ફોન નંબર અને નકલી ક્રેડિટ કાર્ડના નંબરની તપાસ હાથ ધરી છે.

Comments