- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
સ્થાનિગ સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં 'નન ઓફ ધ અબવ' (નોટા) વિકલ્પના ઉપયોગ અંગે મતદાતાઓમાં જાગૃત્તિ ફેલાવવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોઇ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી એવો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચે આજે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો. પંચે જણાવ્યું હતું કે મતદાતાઓ અને ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને નોટાના વિકલ્પ અંગે શિક્ષિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. હાઇકોર્ટે પણ પંચ દ્વારા રજુ કરવામાં આવેલા રેકોર્ડની ચકાસણી કરી સોગંદનામામાં દર્શાવ્યા મુજબના જાગ્રત્તિ ફેલાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો.
પીઆઇએલ કરનારા વકીલ કે. આર. કોષ્ટીના આક્ષેપને ફગાવતા પંચના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે ટેલિવિઝન, રેડિયો,સમાચારપત્રો અને સોશિયલ મિડિયાના માધ્યમથી મતદાતાઓ તથા ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીગણને શિક્ષિત કરવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આના સંદર્ભમાં નોટા અંગેની માહિતી પ્રસારિત કરવા કેટલીક ટેલિવિઝન ચેનલોને આપવામાં આવેલા વર્ક ઓર્ડરો પણ પંચે રજુ કર્યા હતા.
કોષ્ટી દ્વારા વારંવાર કાનૂની કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવવામાં આવતો હોવા અંગે સખ્ત વિરોધ નોંધવતા પંચે એમ પણ જણાવ્યું હતું કે આ અરજી કરનારને એક પછી એક અરજી કરવાની આદત પડી ગઇ છે. હાઇકોર્ટે ૩૦મી ઓક્ટોબરે નોટાનો વિકલ્પ ઉપલબ્ધ બનાવવાનો આદેશ આપ્યો ત્યારે પણ તેઓ આ વિકલ્પનો પ્રચાર કરવાના સંદર્ભમાં નિર્દેશ આપવા હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી શક્યા હોત. નોટા અંગે જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે તથ્યોની ચકાસણી કર્યા વગર કોષ્ટીએ ઉતાવળમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી એવો પ્રતિઆક્ષેપ પણ પંચે કર્યો હતો.
જોકે આ આક્ષેપને ફગાવતા કોષ્ટીએ જણાવ્યું હતું કે તેમણે હજી સુધી ટીવી, રેડિયો કે અખબારોમાં આ પ્રકારની એક પણ જાહેરાત જોઇ નથી કે સાંભળી નથી. આમ છતાં પંચ દ્વારા રજુ કરવામાં આવેલા રેકોર્ડની ચકાસણી કરીને ન્યાયાધીશ એ જી. ઉરેઝીએ એવી નોંધ કરી હતી કે રાજ્ય ચૂંટણી પંચે નોટા અંગે જાગૃત્તિ ફેલાવવા ચોક્કસ માધ્યમો દ્વારા પ્રયત્નો કર્યા છે. આથી પંચે આ કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. આ કેસની આગામી સુનાવણી ૨૪મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment