જી-૨૦ની બેઠક ટાણે જ ISનો આત્મઘાતી વિસ્ફોટ

જી-૨૦ સમિટમાં ઇસ્લામિક સ્ટેટનો સફાયો કરવા ઓબામાની પ્રતિજ્ઞા
આઈએસનાં છૂપાં ઠેકાણાં પર દરોડા પછી સામસામે અથડામણમાં ચાર આંતકી ઠાર
ફ્રાન્સની રાજધાની પેરિસમાં શુક્રવારે રાત્રે આત્મઘાતી હુમલાઓની વણઝાર બાદ તુર્કીમાં જી-૨૦ નેતાઓની બેઠક ટાણે જ ઇસ્લામિક સ્ટેટના એક આતંકીએ પોતાને વિસ્ફોટ દ્વારા ઉડાવી દીધો હતો.
તુર્કીમાં જી-૨૦ સમિટમાં પેરિસ પરનો આતંકી હુમલો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે તેવા જ સમ
યે સીરિયાની સરહદ નજીક આવેલા ગાઝિયાનતેપ શહેરમાં આઇએસના સ્લીપર સેલના એક ઠેકાણા પર રવિવારે પોલીસે દરોડો પાડયો હતો. પાંચ માળની ઇમારતમાં પોલીસે દરોડો પાડયો ત્યારે એક આતંકીએ પોતાને વિસ્ફોટ દ્વારા ઉડાવી દીધો હતો. પોલીસે આતંકીઓને ઝડપી લેવા જેવો દરવાજો તોડયો કે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર પોલીસકર્મચારી ઘાયલ થયા હતા.
થોડા કલાકો પહેલાં જ તુર્કીની સેનાના જવાનો અને આઇએસના આતંકીઓ વચ્ચે ગાઝિયાનતેપ શહેર નજીક અથડામણ થઇ હતી,તેનાં અનુસંધાનમાં જ આ દરોડો પડાયો હતો. આ અથડામણમાં આઇએસના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
તુર્કીના અન્તાલિયા સેરિક જિલ્લાના બેલેકનગરની રેગ્નમ કાર્યા હોટેલ કન્વેશન સેન્ટર ખાતે જી-૨૦ દેશોની ૧૦મી સમિટનું આયોજન થઇ રહ્યું છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી ૧૩,૦૦૦ અધિકારીઓ અને ૩,૦૦૦ પત્રકારો સહિત ટોચના સત્તાધીશો ભાગ લઇ રહ્યા છે. પેરિસમાં થયેલા આતંકી હુમલાને પગલે બેલેક શહેરને રેડ ઝોન જાહેર કરી દેવાયું છે. સમિટનાં સ્થળ નજીકનાં બજારો અને દુકાનો બંધ કરાવી દેવાયાં છે. સમિટ સ્થળ સુધી જતા માર્ગો પર હજારોની સંખ્યામાં બેરિકેડો અને સુરક્ષાજવાનો તૈનાત કરી દેવાયા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જી-૨૦ સમિટમાં ભાગ લેવા બેલેક પહોંચી ગયા છે.
જી-૨૦ દેશોના નેતાઓએ મુખ્યત્વે આતંકવાદ પર ચર્ચા કરી
તુર્કીમાં આયોજિત જી-૨૦ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે આપણે આતંકવાદી કૃત્યના કરુણ ઓછાયામાં એકઠા થયા છીએ. આતંકવાદ સામેની લડાઈ જી-૨૦ દેશોની સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. વડા પ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓને સંબોધન કરતાં આતંકવાદ સામેની લડાઈમાં સામૂહિક વૈશ્વિક પ્રયાસો હાથ ધરવાનું આહ્વાન કર્યું હતું. પેરિસ ખાતે શુક્રવારે રાત્રે આતંકવાદી હુમલો થયા બાદ તુર્કીમાં એકઠા મળેલા જી-૨૦ દેશોના નેતાઓએ મુખ્યત્વે વ્યાપક બની રહેલા આતંકવાદ પર ચર્ચા કરી હતી.
વિશ્વે આતંકવાદ સામે એકજૂથ થવું જ પડશે : મોદી
પેરિસમાં આતંકવાદી હુમલા બાદ આતંકના ઓછાયા મધ્યે રવિવારથી તુર્કીમાં ૧૦મી જી-૨૦ સમિટનો પ્રારંભ થયો હતો. જી-૨૦ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંગઠનના નેતાઓની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વે આતંકવાદ સામે એકજૂથ થવું જ જોઇએ. પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાને સમગ્ર વિશ્વ એક સૂરે વખોડી કાઢે છે. સમગ્ર માનવજાતે આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે. આતંકવાદ સામેની લડાઇમાં એકીકૃત વૈશ્વિક પ્રયાસોની આજે જેટલી જરૂર છે તેટલી અગાઉ ક્યારેય નહોતી. બ્રિક્સ દેશોની પણ આ પ્રાથમિકતા રહેશે. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૧૬થી ભારત બ્રિક્સ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે ત્યારે આતંકવાદ સામેની લડાઇને પ્રાથમિકતા અપાશે. મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સના અધ્યક્ષ તરીકે ભારતની થીમ જવાબદેહ, સર્વગ્રાહી અને સામૂહિક સમાધાનો અથવા તો ઉકેલો રહેશે.
હુમલા માટે જવાબદાર લોકોને પાઠ ભણાવીશું : ઓબામા
સીરિયાનાં ગૃહયુદ્ધનો અંત લાવવા અને આતંકવાદી સંગઠનના સફાયા માટે બમણા પ્રયાસો કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રતિજ્ઞા લીધી હતી. ઓબામાએ જણાવ્યું હતું કે એક ઉપજાવી કાઢેલી વિચારધારાના આધારે નિર્દોષ લોકોની હત્યા એ ફ્રાન્સ અથવા તુર્કી પરનો હુમલો નથી પરંતુ સમગ્ર સભ્ય સમાજ પરનો હુમલો છે, અમે આ હુમલા માટે જવાબદાર લોકોને પાઠ ભણાવીશું.

Comments