ભારત માટે ISISથી પણ વધુ ખતરનાક છે સીમીના ચાર ભાગેડુ આતંકવાદીઓ: NIA

શુક્રવારે ફ્રાન્સના પેરિસમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દુનિયામાં ચારેબાજુ ક્રુર આતંકવાદી જૂથ આઈએસની ચર્ચાઓ થઈ રહી છે. ત્યા ભારતીય નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)નું માનવું છે કે હાલ ભારત માટે સીમીના ચાર ભાગેડુ આતંકવાદીઓ આઈએસઆઈએસ કરતા પણ વધુ મોટો ખતરો સાબિત થઈ શકે તેમ છે. સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી)ના આ ચારે આતંકવાદીઓ ગત બે વર્ષથી ફરાર છે.

એવું મનાય છે કે ચારેય આતંકવાદીઓને પકડવા અને તેમના સુધી પહોંચવામાં એજન્સીઓને સતત નિષ્ફળતા મળી છે. આ ચારે આતંકવાદીઓ મોબાઈલ ફોનની જગ્યાએ પબ્લિક ફોનનો જ ઉપયોગ કરે છે. ગત વર્ષે ઉત્તરપ્રદેશના બિજનૌર શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ મામલે પણ આ ચારે આતંકવાદીઓ સામે એનઆઈએ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનઆઈએની દિલ્હી, મુંબઈ અને ભોપાલ યુનિટના એક ડઝનથી પણ વધુ અધિકારીઓની ટીમ આ આતંકવાદીઓની શોધખોળમાં લાગી છે. 

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ આ આતંકવાદી વારંવાર બચી જાય છે. આતંકવાદી કાયમ જાહેર ટેલિફોનબૂથનો ઉપયોગ કરે છે અને ગુડગાંવની આસપાસ તેવા એક બૂથની માહિતી પણ મળી હતી પરંતુ એનઆઈએની ટીમ પહોંચે તે પહેલા જ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ ચારે આતંકવાદીઓ ભારત માટે મોટો ખતરો છે અને ભારતમાં આઈએસઆઈએસ કરતા તેમના હુમલાઓની વધુ આશંકા છે. 

મળતી માહિતી મુજબ આ આતંકવાદીઓ આધુનિક હથિયારોથી લેસ છે અને દક્ષિણપંથી નેતાઓ વિરુધ્ધ બદલો લેવાની ફીરાકમાં છે. ગત વર્ષ ડિસેમ્બરમાં આ ચારે આતંકવાદીઓએ રુરકીમાં એક બોમ્બ પ્લાન્ટ કરીને ભાજપના વિધાયક સંગીત સોમ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ચારે આતંકવાદીઓ શેખ મહેબૂબ, ઝાકિર હૂસેન અને મોહમ્મદ સલીક, અમજદ 2013માં મધ્ય પ્રદેશની એક જેલમાંથી મોહમ્મદ એઝાઝૂદ્દીન અને મોહમ્મદ અસલમ સાથે ભાગી ગયા હતાં.

Comments