ISIS કાશ્મીરમાં સક્રિય છે, ભારતે પણ સાવચેત રહેવાની જરૂર છે: શિવસેના

પેરિસમાં થયેલા આતંકી હુમલા બાદ હવે શિવસેનાએ ભારતને પણ સાવચેતી રાખવાની સલાહ આપી દીધી છે. શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં આતંકવાદી હુમલા પ્રત્યે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે તથા કેન્દ્ર સરકારને સાવધાન પણ કરવામાં આવી છે. જણાવાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આઈએસઆઈએસ જે રીતે કાશ્મીરમાં સક્રિય છે તે ગંભીર બાબત છે. 

લેખમાં એમ પણ જણાવાયું છે કે અમારે આતંકવાદ વિરુધ્ધની લડાઈમાં પોતાની રીતે લડવું પડશે. જે આઈએસએ પેરિસમાં બોમ્બ વિસ્ફોટ કર્યાં છે તે જ આઈએસ છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં પણ સક્રિય જોવા મળી રહ્યું છે. કાશ્મીરમાં જે અંદાઝમાં આઈએસના ઝંડા ફરકાવામાં આવે છે તે એક ગંભીર બાબત છે. પેરિસમાં થયેલા નરસંહાર બાદ તો  દરેકે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જ પડશે.

લેખમાં અમેરિકા વિરુધ્ધ પણ ટિપ્પણી કરવામાં આવી છે. જણાવાયું છે કે અમેરિકાએ તેના સ્વાર્થ માટે ઈરાકને નષ્ટ કર્યુ હતું. સદ્દામ હુસેનને અમેરિકાએ તેના સ્વાર્થ માટે મારી નાખ્યો. ફ્રાન્સ અમેરિકાના આ પાપમાં ભાગીદાર છે. સદ્દામના પતન બાદ સીરિયા સહિત મધ્ય એશિયાના તમામ રાષ્ટ્રોમાં અરાજકતા વ્યાપી ગઈ છે. આ અરાજકતાના કારણે જ આઈએસ જેવું ભૂત ધણધણી ઉઠ્યું છે. હવે આતંકવાદનું આ ભૂત યુરોપીય દેશોને પણ હેરાન કરી રહ્યું છે. 

ફરી એકવાર આતંકવાદને ધર્મ સાથે જોડતા શિવસેનાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્રાન્સમાં મુસ્લિમોની સંખ્યા વધી છે અને જે રીતે તેમની વધતી જનસંખ્યાએ ભારતમાં દુ:ખાવો પેદા કર્યો છે તે જ હાલત હાલ ફ્રાન્સમાં છે. પરંતુ બંને વચ્ચે અંતર છે. ભારતના રાજકીય નેતાઓ મુસ્લિમોની આ વધતી જતી વસ્તી સામે ઝૂકવા માટે હંમેશા તૈયાર રહે છે જ્યારે ફ્રાન્સના રાજનેતાઓ મુસ્લિમોની આ વધતી જતી વસ્તીની આક્રામકતાને બિલકુલ સ્વીકારતા નથી.

Comments