હિંદુ મહાસભાએ કહ્યું RSSએ દેશ અને હિંદુઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે

હિન્દુ મહાસભાએ દેશના સૌથી મોટા સંઘ ઉપર નિશાન બનાવ્યું છે. હિન્દુ મહાસભાએ આસએસએસને દેશનું મોટું ગદ્દાર જુથ ગણાવ્યું છે. નાથુરામ ગોડસેના મૃત્યુ દિવસને બલિદાન દિવસ તરીકે ઊજવવાની આકરી ટીકા થયા બાદ બીજા જ દિવસે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ સંઘની આકરી ઝાટકણી કાઢી હતી. હિંદુ મહાસભાએ જણાવ્યું કે, સંઘ દેશમાં સૌથી મોટું ગદ્દાર જૂથ છે. તેણે હિંદુઓ અને દેશ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. હિંદુ મહાસભાના ઉપપ્રમુખ અશોક શર્માએ જણાવ્યું કે, આરએસએસ દ્વારા માત્ર દેશ સાથે જ નહીં હિંદુઓ સાથે પણ મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ઓછા લોકો એ જાણે છે કે હિંદુ મહાસભા જ સંઘનો જન્મ સ્ત્રોત છે. ૧૯૪૮માં ગાંધીની હત્યા બાદ 
આરએસએસે હિંદુ મહાસભા સાથેના તમામ સંબંધો તોડીને નહેરુને સાથ આપ્યો હતો. સંઘ તે સમયે પોતાને હિંદુ મહાસભાથી અલગ દર્શાવવા માગતો હતો. સંઘ તે સમયે લોકોને એમ વિશ્વાસ અપાવવા માગતો હતો કે ગાંધીજીની હત્યા સાથે સંઘનો ક્યાંય સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી.     

હિંદુ મહાસભાને ધમકી મળી
અખિલ ભારતીય હિંદુ મહાસભાએ જણાવ્યું કે, અમને છેલ્લાં કેટલાક દિવસથી ધમકી મળી રહી છે. કેટલાક દિવસથી અમને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિયેશન નામની સંસ્થા તરફથી અમને ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. નાથુરામ ગોડસે આધારિત વેબસાઈટ લોન્ચ કર્યા બાદ આ મેસેજ આવી રહ્યા છે. આ મેસેજમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓને માર મારવાની તથા તેની કચેરીઓમાં તોડફોડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. તે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

Comments