- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
જીવનમાં જો ખોટી દિશામાં નથી જવું તો મોટી મોટી ખુશામત કરનારથી દૂર રહેવું બહુ જરૂરી છે.
પાકિસ્તાન ક્રિકેટની હાલની પેઢીમાં સૌથી ઉત્તમ બેટ્સમેન બાબર આઝમ ગણી શકાય એમ છે. આ બાબર ટીમનો કેપ્ટન થયો. પછી બાબરે પોતાની આસપાસ ખુશામતિયા પ્લેયર ભેગા કર્યા હોય કે એવા પ્લેયર આપોઆપ એની આસપાસ ગોઠવાય ગયા એ રામ જાણે...પણ આ ખુશામત બાબરની કેપ્ટન્સી અને ઓલ્મોસ્ટ કરિયર ખાઈ ગઈ. એમાં સૌથી પિક પોઈન્ટ આવ્યો પાકિસ્તાની બોલર હસન અલીનું પોડકાસ્ટ...પોડકાસ્ટમાં હસન અલી બાબર આઝમની ખુશામત કરતાં બહુ એટીટ્યુડમાં બોલ્યો કે “હમ બાબર કો king હી બુલાતે હૈ, બોબ્ઝી ધ કિંગ...કુછ ભી મસલા હોતા હૈ, કહેતે હૈ કે કિંગ કો બોલો, કિંગ કર લેંગા.”
આ પોડકાસ્ટ દોઢેક વર્ષ પહેલા આવેલું...ત્યારથી લઈને આજ સુધી ભારત અને પાકિસ્તાનનાં ક્રિકેટ જગતમાં આ બાબતે બાબરની ખૂબ મજાક ઉડાવાઇ રહી છે. એમાં વળી બે વર્ષથી બાબરનું નબળું ફોર્મ બળતામાં ઘી હોમે. હસન જે ટોનમાં બોલ્યો હતો એવા ટોનમાં બાબરને ‘બોબ્ઝી ધ કિંગ’ કહી કહીને ખૂબ ક્રીટીસાઈજ કરવામાં આવતો રહે છે. કેમ કે હસને ખુશામતમાં એને જાહેરમાં એ ટેગ આપ્યું કે જે કોહલી જેવા ગ્રેટ બેટ્સમેનનું છે, ક્રિકેટમાં કિંગ તો એક જ કિંગ કોહલી...બાબરને બીજું કોઈક ટેગ આપી શકાયું હોત, સચિન લિટલ માસ્ટર કે ગોડ ઓફ ક્રિકેટ છે, દ્રવિડ ધ વોલ છે, વસીમ અક્રમ સ્વિંગ સુલતાન છે, શોએબ અખ્તર રાવલપિંડી એક્સ્પ્રેસ છે, સૌના પોતાના ટેગ છે, મહાન વ્યક્તિ પોતાનું ટેગ ઘડે, કોઈનું ઉઠાવે નહિઁ. પણ બાબરના કેસમાં આ ભૂલ થઈ..કેમ? કેમે કે બાબરે ડ્રેસિંગ રૂમમાં કે મેદાનમાં જે ખુશામત થતી હતી એ થવા દીધી...એ ખુશામતે જાહેરમાં મોટો જમ્પ કરીને બાબરની વાટ લગાડી દીધી.
પાકિસ્તાનનો એક મજાનો યુટ્યુબર છે, એનું નામ અરસલન નાસર...એ ઘણીવાર બોલી ચૂક્યો છે કે એક પોડકાસ્ટ કેવી રીતે કોઇની કરિયર અને ઈમેજ ખલાસ કરી શકે એનો આ ક્લાસિક કેસ છે.
એક સ્પીચમાં જ્ઞાનવત્સલ સ્વામી પોતાના ગુરુના અહોભાવમાં આગળ વધીને ખુશામતની લપસણી ભૂમિમાં જતાં રહ્યા. એ સ્પીચમાં એમણે કહ્યું કે, “ મહંતસ્વામી હોંગકોંગમાં હતા, એક હરિભક્તને મળવાનું હતું. પણ હરિભક્ત સિટીમાં અંદર રહે, એટલે ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસે જ એક હોટેલમાં રોકાયા. 25-30માં માળે હોટેલના સ્યુટમાં મહંતસ્વામી પડદો ખસેડીને ગ્લાસની વિન્ડોમાંથી હોંગકોંગ-ડાઉનટાઉન જોતા હતા. હોંગકોંગ ડાઉન ટાઉન એટલે મોટી મોટી ઓફિસો અને કંપનીઓ. એ જોતા જોતા મહંત સ્વામી હસતા હતા એટલે સેવક સંતોએ પૂછ્યું કે, ‘સ્વામી! શું વિચારતા હતા?” એટલે મહંત સ્વામીએ હોંગકોંગની એ બિલ્ડીંગો તરફ હાથ લાંબો કરીને ઠાવકાઈથી કહ્યું કે, “આ જે બધા અહિયાં બેઠા છે એ લોકો સમજતા હશે કે અમે જ દુનિયા ચલાવીએ છીએ.” પછી પોતા પર આંગળી કરી મહંતસ્વામી બોલ્યા કે, “પણ એમને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે.”
જ્ઞાનવત્સલ સ્વામી દવારા જે ટોનમાં અને જે રીતે આંગળીનો ઇશારા કરતાં આ વાક્યો બોલાયા એ વાકયોએ મહંત સ્વામીની બાબતમાં હસન અલીના પોડક્સ્ટ જેવુ કામ કર્યું છે. ગુરુ પ્રત્યે ભાવ-અહોભાવ હોય, પણ સેન્સીબલ વ્યક્તિએ આવી વાતો ના કરવી જોઈએ. હોંગકોંગની બિલ્ડીગોમાં બેઠેલા કોઈ એવું નથી કહેતા કે, ‘અમે બધું ચલાવીએ છીએ.’. એક તો અનુયાયીઓ ચડાવી ચડાવીને વાતો કરતા હોય છે પણ છતાં મહંતસ્વામી આમ બોલ્યા હોય તો એમણે પણ આવું ન બોલવું જોઈએ કે, ‘અખિલ બ્રહ્માંડનું સંચાલન હું કરું છું.’ બાકી તો આ સાંભળીને પહેલો પ્રશ્ન એ થાય કે તો પછી ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસે જ કેમ રોકાય જવું પડે છે ?! થોડું એ સંચાલન પણ કરી લો...વળી જો પોતાના શિષ્યો જો આવું બોલતાં હોય તો એને પણ રોકવા જોઈએ.
આજકાલ સોશિયલ મીડિયામાં જ્યાં પણ મહંતસ્વામીનો વિડીયો કે રિલ આવે એની કમેંટમાં હરિભક્તો ન હોય એવા લોકો જ્ઞાનવત્સલ સ્વામીના વાક્યો પકડીને મહંત સ્વામી વિષે અજીબો ગરીબ કમેંટ્સ કરતાં હોય છે. એમાં પણ જ્યારે અમુક સ્વામીઓના વિવાદાસ્પદ વિડીયો આવે ત્યારે લોકોનો રોષ બધી બાજુ નીકળે એ આમાં પણ નીકળે...એમાં દોષ લોકોનો નથી...આવા મોકા આપશો તો લોકો આજે એના વિષે તો કાલે કોઈના વિશે બોલશે.
જ્ઞાનવત્સલ સ્વામીની આ સ્પીચ પહેલા મહંત સ્વામી વિશે કોઈ જાહેરમાં અભદ્ર કમેંટ ન કરતાં...પણ આ એક સ્પીચે આવી કમેંટ્સને જન્મ આપ્યો. હવે મહંત સ્વામી વ્હીલચેર પર હોય કે કોવિડ દરમિયાન કાચના બોક્ષમાં હોય એવા વિડીયો કે રીલમાં કે એમની સહજ વૃદ્ધાવસ્થા બાબતે લોકો ‘અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન’ વાળી વાતને ટાંકીને મજાક કરતાં હોય છે. કારણ ? કારણ ખુશામતમાં થઇ ગયેલી વધુ પડતી વાત.
બાબર આઝમ કે મહંત સ્વામી...આ તો સેલિબ્રિટિ કે સંતો છે. પણ સામાન્ય માણસ તરીકે આપણે પણ આ સતત યાદ રાખવા જેવુ છે. કોઈ જ્યારે ખૂબ સારું સારું બોલે કે ખુશામત કરે એનાથી થોડા દૂર રહીએ...
આજે મૂળ સંપ્રદાયના રાકેશપ્રસાદજી મહારાજ આવી બાબતે સેન્સીબલ અને જવાબદારી ભરી વાત કહી છે, એ સાંભળવા જેવી છે. એ વિડીયો ફેસબુકમાં zee 24 પર મળી જશે
આગળ કહું તો હું દર થોડા દિવસે એકાદ વિચિત્ર પોસ્ટ મૂકી દઉ છું, એટ્લે અમુક મિત્રો...ખાસ કરીને નવા મિત્રો કહે કે, “તમારી પાસે આ અપેક્ષા નહોતી...” અને સાચું કહું તો મેં અમુક એવી પોસ્ટ એટલે જ મુકી હોય છે કે બસ લોકો મને સારો ધારીને બહુ ઊંચી અપેક્ષા કે ધારણા ન બાંધી લે.
અહીં નવા મિત્રો સર કે સાહેબ કે લેખક વગરે કહીને વધુ પડતાં વખાણ કરી લે ત્યારે મોટી મૂંઝવણ ઊભી થઈ જાય કે આ મિત્રને કેમ સમજાવું કે હું કેવો સરેરાશ માણસ છું. અહીં બે શબ્દો લખતા આવડી ગયું એનાથી કશું મોટું કે વિશેષ નથી થઈ જવાતું...અહીં આ વાંચનાર કે રીએક્ટ કરનાર કેટલાય મિત્રોએ મારા કરતાં વધુ દુનિયા જોઈ હોય અને સમજી હોય એવું છે જ...મને સોશિયલ મીડિયામાં આ ડર રહે કે લોકો હું છું નહીં એટલો સારો મને ન ધારી લે..કેમ કે મારી નબળાઈઓ, વિચિત્રતાઓ, વિકૃતિઓ હું જાણું છું. આપણે કેટલા પાણીમાં છીએ એ આપણે સતત યાદ રાખવું પડે...નહીં તો ખુશામત આપણને વહાવી દે...આપણે જેવા છીએ જ નહીં એવી આભામાં રહેવા લાગીએ...
જો સાવધ ન રહીએ તો ખુશામત આપણને ખોખલા કરી નાખે...
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment