.‌..અને ત્‍યારે વિમાન તૂટી પડે છે.

 

▶ .‌..અને ત્‍યારે વિમાન તૂટી પડે છે.

લેખનઃ હર્ષલ પુષ્‍કર્ણ



ગુરુત્‍વાકર્ષણ નામની અદૃશ્‍ય સાંકળ વડે હજારો વર્ષથી પૃથ્‍વીના ખીલે બંધાયેલો મનુષ્‍ય પક્ષીની જેમ ગગન‌વિહારી બની શકે એ ખ્‍યાલ પોતે એક જમાનામાં શેખચલ્લી બ્રાન્‍ડ ગણાતો. ઓગણીસમી સદીના એ જમાનામાં લોર્ડ ‌વિ‌લિયમ થોમસ કે‌લ્‍વિન નામના ‌વિજ્ઞાની-કમ-ગ‌ણિતશાસ્‍ત્રી થઈ ગયા, જેમણે ઈ.સ. ૧૮૯પમાં ‌કહેલું એક વાક્ય બહુ જાણીતું છે— 

‘Heavier-than-air flying machines are impossible.’ 

ભાવાર્થ : હવા કરતાં વજનદાર ઊડણખટોલા કદાપિ ઊડી શકે ન‌હિ.

લોર્ડ કે‌લ્‍વિને ભ‌વિષ્‍યવાણી કરી તેના ફક્ત આઠ વર્ષમાં  અમે‌રિકાના ‌વિલ્‍બર અને ઓર‌વિલ રાઇટ બંધુઓએ ફ્લાયર-1 નામનું ‌વિમાન સફળતાપૂર્વક બનાવ્યું. ‌ડિસેમ્‍બર ૧૭, ૧૯૦૩ ના રોજ ‌કિટી હોક દ‌રિયાકાંઠે તેને સફળતાપૂર્વક ઉડાડ્યું પણ ખરું. ફ્લાઇટ માંડ ૧૨ સેકન્‍ડ્સ જેટલી ટૂંકી હતી. છતાં માનવજાતના પગે બંધાયેલી પેલી સાંકળરૂપી બેડી તોડી નાખવા માટે પૂરતી હતી. હવા કરતાં વજનદાર ‌વિમાન ઊડી ન શકે એવું ‌નિવેદન આપનાર લોર્ડ કે‌લ્‍વિન ખોટા પડ્યા.

વિમાન‌વિદ્યાનું ‌વિજ્ઞાન આજે તો કેટલું આગળ નીકળી ગયું છે. દુ‌નિયાભરમાં રોજની લાખો ફ્લાઇટ્સ એકથી બીજા સ્‍થળે બહુ સહજ રીતે ઊડાઊડ કરે છે—અને છતાં ‌જિજ્ઞાસુ મનમાં ઘણી વાર સવાલ થાય કે હવા કરતાં અનેકગણું વજનદાર ‌વિમાન આખરે હવામાં તરતું શી રીતે રહી શકે છે?

જેટ અથવા પ્રોપેલર એ‌ન્‍જિનના જોરે રન-વે પર સડસડાટ દોડ મૂકીને ‌આકાશમાં ચડી જતા ‌વિમાનને ઊડતું રાખવામાં (કે પછી તોડી પાડવામાં) ચાર પ‌રિબળો અસર કરતા હોય છે--વેઇટ, લિફ્ટ, થ્રસ્ટ અને ડ્રેગ.

આમાં વેઇટ એટલે પૃથ્‍વીનું ગુરુત્‍વાકર્ષણ બળ કે જે ‌વિમાનને સતત જમીન તરફ ખેંચ્‍યા કરે છે. પાંખોની નીચે સર્જાતું હવાનું દબાણ એટલે ‌લિફ્ટ કે જેના જોરે ‌વિમાન હવા પર સવારી કરી શકે છે. બળવાન એ‌ન્‍જિન તરફથી પ્‍લેનને સતત મળ્યા કરતો અગ્રગામી ધક્કો થ્રસ્‍ટ છે. વિમાન જો ‌નિયત ઝડપે આગળ વધ્યા કરે તો અને ત્‍યારે જ સામી હવાનો પ્રવાહ તેને પાંખો નીચે યોગ્ય દબાણ એટલે કે ‌લિફ્ટ પેદા કરી આપે. આમ, એ‌ન્‍જિનના શ‌ક્તિશાળી પાવર ‌વિના થ્રસ્‍ટ ન મળે અને થ્રસ્‍ટ વગર ‌લિફ્ટનું પ‌રિબળ સર્જાય ન‌હિ.

ઊડી રહેલા પ્‍લેનને વરતાતું ચોથું અને છેલ્‍લું પ‌રિબળ ડ્રેગ યાને ખેંચાણનું છે. પાંખો વડે કપાતી હવાનો જમાવડો ‌વિમાનને સહેજ પાછળ તરફ ખેંચવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ એ‌ન્‍જિનનો થ્રસ્‍ટ વધારીને વડે તથા પાંખોનો ત્રાંસ બદલીને પાઇલટ ડ્રેગના પ‌રિબળને ‌નિયં‌ત્રિત કરી શકે છે.

આમ તો ઉપરોક્ત ચારેય પ‌‌રિબળો ‌વિમાનને ઊડતું રાખવામાં પોતપોતાની ભૂ‌મિકા ભજવે, પણ ચારેયમાં સૌથી મહત્ત્વનું પ‌રિબળ ‌લિફ્ટ ગણાય. પાંખો હેઠળ હવાનું દબાણ યોગ્‍ય પ્રમાણમાં ન હોય તો ‌વેઇટ (ગુરુત્‍વાકર્ષણ બળના) ખેંચાણ સામે ટકી રહેવું કોઈ પણ ‌વિમાન માટે શક્ય ન બને. 

સામાન્‍ય રીતે થાય એવું કે એ‌ન્‍જિનના જોરે આકાશી પ્રવાસ ખેડાતો જાય તેમ સામી હવાને કાપતી પાંખોની ઉપલી સપાટી કરતાં નીચેની સપાટીએ વધુ એર-પ્રેશર સર્જાય છે. ‌લિફ્ટનું અત્‍યંત આવશ્‍યક પ‌રિબળ એ રીતે સતત મળ્યા કરે, એટલે પ્‍લેન સીધી લીટીમાં આગળ વધતું રહે.

અમદાવાદમાં ઘટેલી એર-ઇ‌ન્‍ડિયાની ‌વિમાની હોનારતનો ‌વિ‌ડિઓ જોતાં એટલું તો સ્‍પષ્‍ટ જણાય છે કે ૧,૧૭,૦૦૦ ‌કિલોગ્રામ વજનના Boeing-787 ‌વિમાનની પાંખો નીચે હવાનું દબાણ ઘટી ગયું હતું. આમ બનવા પાછળનું એક સ્‍વાભા‌વિક કારણ એ‌ન્‍જિન દ્વારા પૂરતો થ્રસ્‍ટ પેદા થતો ન હોવાનું હોઇ શકે છે. રખે એવું બન્‍યું હોય (જેની સંભાવના સારી એવી છે) તો એ‌ન્‍જિનનો પાવર કયા કારણોસર ઘટ્યો એ તો ‌વિમાનનું બ્‍લેક બોક્સ તપાસનાર જાંચ સમી‌તિના ટે‌ક્નિકલ ‌રિપોર્ટ પછી જ સમજાય.

વિમાન Stall/ પતંગની માફક છાશ ખાવાનું બીજું કારણ પાંખોનાં એઇલરોન કહેવાતાં પાં‌ખિયાંનો ખોટી રીતે રખાયેલો ઝોક પણ હોઇ શકે છે.

અકસ્‍માનનું ત્રીજું પણ સંભ‌વિત કારણ છે. બોઇંગ-787 ‌વિમાનના એ‌ન્‍જિનનું તથા ફ્લાઇટ કન્‍ટ્રોલ ‌સિસ્‍ટમનું સંચાલન Real-time Operating Systems (RTOS) કહેવાતા કમ્‍પ્યૂટર સોફ્ટવેર વડે થતું હોય છે. શક્ય છે કે એર-ઇ‌ન્‍ડિયાના ‌વિમાને ઉડાન ભર્યા પછી તે સોફ્ટવેરમાં કશીક ખામી સર્જાઈ, જેને કારણે એ‌ન્‍જિનનો થ્રસ્‍ટ અને/અથવા પાં‌ખિયાંનો ઝોક આવશ્યકતા મુજબનો ન રહ્યા.

ખેર, જે થયું તે અત્‍યંત આઘાતજનક છે. દુઃખદ છે. અકસ્‍માતનો ભોગ બનેલા સૌને શ્રદ્ધાંજ‌લિ અને ઘાયલોને સુખદ સારવાર મળે તેવી મનોકામના!

--Harshal Pushkarna

Comments