આમાં પાઘડી કોની ઉછળી?...પેલા સ્ટિંગ ઓપરેશનથી માત્ર પાઘડી પડી હતી, હવે પોલીસ જે કરી રહી છે એનાથી પાઘડી ઉછળી રહી છે

 પદ્મ શ્રી કાનજી ભુટા બારોટ પોરબંદરના દિવાનની એક વાત કહેતા. કાનજીબાપાની પોતાની આગવી શૈલી હતી , એટલી અદ્ભુત રીતે અહીં વાત નહીં મૂકી શકાય...પણ મને યાદ છે એ વાત કહું તો....


એકવાર પોરબંદરના દિવાનના પિતા શાક માર્કેટમાં ગયા. અને કોઈ વાતે એક બકાલી સાથે રકઝક થઈ. બકાલીને નહોતી ખબર કે આ દાદા આપણા દિવાન સાહેબના પિતા છે. રકઝક વધી એમાં બકાલીએ દાદાને થોડો ધક્કો માર્યો અને દાદાની પાઘડી પડી ગઈ.

દાદાએ આજુબાજુ જોયું, આસપાસમાં કોઈ જાણીતું નહોતું, એમણે એકપળમાં મામલો સંભાળી લીધો અને ઘરે આવી ગયા. 

સાંજે કચેરીએથી એમનો દીકરો એવા પોરબંદરના દિવાન સાહબ ઘરે આવ્યા. અને એમણે સીધા જ પિતા પાસે આવીને પૂછ્યું કે, "આજે માર્કેટમાં કોઈ બકાલીએ તમારી પાઘડી ઉછાળી?"

પિતાએ કહ્યું , "હા...રકઝકમાં પાઘડી પડી ગઈ."

આ સાંભળીને દિવાન સાહેબ રોષે ભરાઈને ઘરની બહાર નીકળવા જતા ત્યાં પિતાએ એમને રોક્યા અને કહ્યું, "બકાલીથી ભલે મારી પાઘડી પડી ગઈ, પણ હવે તું મારી પાઘડી ઉછાળતો નહીં..."

*****

કાનજીબાપાની આ વાત એ બતાવે છે અમુક વાતની, અમુક લોકોને અમુક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાથી પોતાની જ પાઘડી (આબરૂ) ઊછળતી હોય છે.એની સામે એકશન લેવાથી કે એની સામે દલીલમાં ઉતારવાથી વાતનું વધુ વતેસર થઈને વધુ લોકો સુધી એ વાત પહોચતી હોય છે. એના કરતાં બહેતર છે એ વાતને ત્યાં જ સલુકાઈથી સંકેલી લેવી અથવા તો કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વિના છોડી દેવામાં આવે.

*****

હમણાં અમદાવાદ મીડિયાના એક પત્રકારે સ્ટિંગ ઓપરેશન કરીને આપણા મુખ્યમંત્રી જ્યાંથી ચૂંટાયા છે અને આપણા દેશના ગૃહમંત્રીનો જે સંસદીય વિસ્તાર છે, એવા ઘાટલોડિયામાં એક શાળાની બાજુમાં ધોળા દિવસે ચાલતા દારૂના અડ્ડાનો લાઇવ પર્દાફાશ કર્યો.પત્રકારે ત્યાં પોલીસને પણ ત્યાં બોલાવી અને બુટલેગર સામે ફરિયાદ નોંધાઈ.

પણ આ સ્ટિંગ ઓપરેશનમાં દારૂબંધી ધરાવતા રાજ્યમાં સીએમ અને ગૃહમંત્રીના વિસ્તારમાં શાળાની બાજુમાં ધોળા દિવસે એકસાથે ચાલીસ પચાસ લોકો દારૂ પીતા બેઠા હોય એવા ડ્રોન વ્યુ સાથેના વીડિયોથી લોકોમાં ચહલપહલ મચી ગઈ. 

છતાં એવું કહી શકાય કે આ વાત જેટલા લોકો સુધી પહોંચી એ લોકોને એ વાત અમુક દિવસમાં ભૂલાઈ જાત. પણ એ સ્ટિંગના દસેક દિવસ બાદ ઘાટલોડિયા પોલીસે પત્રકાર સામે ફરિયાદ નોંધી કે સ્ટિંગ ઓપરેશન વખતે ત્યાં ડ્રોન ઉડાડીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે.

હજુ અહીં વાત પૂરી નથી થતી. ઘટનાના તેર દિવસ બાદ સીએમ અને ગૃહમંત્રીના વિસ્તારમાં શાળાની બાજુમાં ધોળા દિવસે દારૂ વેંચતા પેલા બુટલેગરે પત્રકાર સામે ફરિયાદ નોંધી કે આ ભાઈ વગર અનુમતિ અમારા ઘરમાં ઘૂસી આવ્યા વગરે વગરે...

***** 

પેલા સ્ટિંગ ઓપરેશનથી માત્ર પાઘડી પડી હતી, હવે પોલીસ જે કરી રહી છે એનાથી પાઘડી ઉછળી રહી છે...

Comments