શિક્ષકો કેવા હોય અને હોવા જોઈએ, એ આ એક મેસેજમાં જોઈ શકશો.
અમદાવાદમાં જે ‘સેવન્થ ડે’ સ્કૂલમાં બાળકની હત્યા થઈ એના વિશે બે દિવસ પહેલા પોસ્ટ મુકેલી કે એ ઘટનામાં સૌથી આઘાત જનક વાત એ હતી કે બાળકને ચપ્પાના ઘા મારનાર જતો રહ્યો પછી ત્યાં એ ઘાયલ બાળક કેટલીય મિનિટો સુધી તડપતો રહ્યો. સ્કૂલના શિક્ષકો, સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ કોઈએ એ એના માટે એમ્બ્યુલન્સ ન બોલાવી કે ન સારવારની કોઈ જોગવાઈ કરી.
આખરે એ બાળકની મમ્મી આવી અને એ માતા અને એ બાળકનો એક ફ્રેન્ડ એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. આજે zee 24 kalak ના ન્યૂઝ મુજબ એ ઇજાગ્રસ્ત બાળક આમ 38 મિનિટ સુધી સ્કૂલમાં પડ્યો રહ્યો હતો. કદાચ થોડી મિનિટ વહેલી સારવાર મળી હોત એ બચી શક્યો હોત... (જો કે ન્યૂઝમા કહેવાય છે કે આ સ્કૂલે ટેન્કર મંગાવીને લોહી ધોઈ નાખવામાં જબરી ચપળતા બતાવી હતી.)
****
એ પોસ્ટમાં કહેલું કે આપણે તો મોટાભાગના લોકો કોઈ જ ફી વિના સરકારી સ્કૂલમાં એવા શિક્ષકો પાસે ભણ્યા છીએ જે કોઈ ક્રિમીનલ માઇન્ડ વિધાર્થી કોઈ કારસ્તાન કરે તો એને ધોઈ નાખતા, પણ કોઈ વિધાર્થી બીમાર પડે કે સ્કૂલમાં રમતા રમતા વાગે તો પણ એની સારવાર કે દવા લઇ આપીને ઘર મૂકી જવા સુધી જહેમત કરતાં.
આ પોસ્ટ વાંચીને અમારે એક મિત્ર સૌરાષ્ટ્રની એક સરકારી શાળામાં શિક્ષક છે એણે મને મેસેજ કર્યો. એ આ મેસેજ છે. (અગાઉ એકવાર સરકારી સ્કૂલોમાં અને શિક્ષકો બાબતે સરકારના ગેરજરુરી ચંચુપાત વિશે એણે લખ્યું હતું, એ પછી એમને શિક્ષણ કચેરીઓ જવાબ આપવા પડ્યા. એટલે તે આ પોસ્ટમાં પોતાના નામ અને પોતાની સ્કૂલનું ગામ નથી કહેવા માંગતા એટલે મેં નામ અને ગામ નથી લખ્યું.)
જો કે નામ અને ગામ કરતાં સુંદર વાત છે એની સ્કૂલના શિક્ષકોની વિધાર્થીઓ માટેની લાગણી અને ભાવના. બાકી તો મોટા નામ વાળી સ્કૂલો કેટલી જડતા અને લાગણી હીનતા બતાવી શકે એનો તાજો દાખલો તો આપણી સામે જ છે.
આપણે ત્યાં વાલીઓ કોઈ આવી મિશનરી સ્કૂલમાં સાઉથ ઇન્ડિયન કે નોન ગુજરાતી ટીચરોને જોઈને ઘેલચંદ્ર થઈ જાય છે કે અહીં ફાંકડું અંગ્રેજી બોલતા ટીચરો છે.પણ શું આવા ટીચરોના હૃદય બાળકો માટે લાગણીભીના છે ખરા?
ફરી એ જ વાત યાદ કરીએ તો શિક્ષકની સૌથી મોટી ખૂબી છે બાળક માટે એના હૃદયમાં પ્રેમ અને સમાનતા...શાળાની પાયાની જરૂરિયાત છે કોઈપણ એજન્ડા રહીત શિક્ષણ…
Comments
Post a Comment