- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- દેશના મોટા ભાગના રાજ્યોમાં પ્રતિબંધ છે ત્યારે ગૌહત્યા સામે કેન્દ્રીય કાયદો હોવો જરૂરી : યોગી આદિત્યનાથ
- ગૌહત્યા પ્રતિબંધના કેન્દ્રીય કાયદાથી બીફ પર રમાતા ગંદા રાજકારણનો અંત આવશે : બાબા રામદેવ
- કોંગ્રેસ ગૌહત્યા પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાદતા કાયદાને સમર્થન આપવા વિચારણા કરશે : દિગ્વિજય
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના દાદરી નજીકના બિસાહડા ગામ ખાતે ગૌમાંસ ખાધું હોવાની અફવા બાદ એક વ્યક્તિની હત્યાના પગલે સર્જાયેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવે દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાની માગ થઇ રહી છે. મંગળવારે ભાજપના સાંસદ યોગી આદિત્યનાથે દેશભરમાં ગૌહત્યા પર
પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેરળ અને પશ્ચિમ બંગાળ સિવાય દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. જે લોકો કાયદેસર રીતે પોતાનું કામ કરે છે તેમની સામે કોઇ વિરોધ નથી પરંતુ ગૌહત્યા સામે કેન્દ્રીય કાયદો હોવો જરૂરી છે.
બોલકા યોગગુરુ બાબા રામદેવે પણ મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની જેમ સમગ્ર દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો અમલી બનાવવો જોઇએ. જો ઉત્તર પ્રદેશ સરકાર ગૌહત્યા વિરોધી કાયદાનો અમલ કરી શકે છે તો વડા પ્રધાને તેનો અમલ સમગ્ર દેશમાં કરવા પર વિચારણા કરવી જોઇએ. તેની સાથે જ દેશમાં બીફ પર રમાતા ગંદા રાજકારણનો અંત આવી જશે.
સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા પર વિચારણા કરવા કોંગ્રેસ પણ આગળ આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે અમારી પાર્ટી ગૌહત્યા પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાદતા કેન્દ્રીય કાયદાને સમર્થન આપવા વિચારણા કરશે. જો સરકાર આ માટે ખરડો લાવશે તો અમે જરૂર વિચારણા કરીશું. દિગ્વિજયે જણાવ્યું હતું કે ભાજપ સત્તા પર આવ્યો તેના ઘણા સમય પહેલાં દેશના ૨૯માંથી ૨૪ રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ હતો. ૧૯૩૦માં કોંગ્રેસની કારોબારીએ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતો ઠરાવ પસાર કર્યો હતો.
અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે દાદરીકાંડ બાદ જણાવ્યું હતું કે પિન્ક રિવોલ્યૂશનની વાતો કરતા લોકોએ બીફની નિકાસ પર પ્રતિબંધ લાદવો જોઇએ. હવે તેઓ સત્તા પર છે ત્યારે કેમ કોઇ નિર્ણય લેતાં નથી.
કૂતરાં પાળનારા અમને ન શીખવે, મારી પાસે ૫૦૦ ગાય છે : લાલુ
લાલુ યાદવે જણાવ્યું હતું કે કૂતરાં પાળનારા અમને ગૌપાલકોને ન શીખવે. ભાજપવાળાઓના ઘરમાં ગાય નહીં પરંતુ કૂતરો હોય છે અને ઘરની બહાર લખે છે કે કૂતરાથી સાવધાન. ગૌમાતા અંગે વાતો કરતા આ પાખંડીઓને પૂછો કે તેમની પાસે ગૌસેવા કરવા પોતાની ગૌશાળા છે ? મારી ગૌશાળામાં હંમેશા ૧૦૦થી ૫૦૦ ગાય રહે છે.
જો ગૌમાતાની હત્યા થશે તો અમે મારવા અને મરવા તૈયાર : સાક્ષી
ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું હતું કે જો અમારી માતાને મારવામાં આવશે તો અમે ચૂપ બેસીશું નહીં. અમે મરવા અને મારવા તૈયાર છીએ. યુપી સરકાર બેવડાં ધોરણો અપનાવી રહી છે. આ મામલા પર થઇ રહેલી રાજનીતિ ખોટી છે. આઝમખાન પાકિસ્તાની છે. તેમણે તો ભારત માતાને ડાકણ કહી હતી.
દાદરી જેવા બનાવોથી દેશની પ્રતિષ્ઠા ખરડાય છે : જેટલી
નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દાદરી જેવા બનાવોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા ખરડાય છે. ભારત એક પુખ્ત સમાજ છે. આ પ્રકારના બનાવોથી દેશનું નામ ખરાબ થાય છે. દરમિયાનભાજપે પોતાના નેતાઓને દાદરીકાંડ પર ઉશ્કેરણીજનક નિવેદનો નહીં આપવા આદેશ આપ્યો છે. ભાજપ બિસાહડા હત્યાકાંડ મુદ્દે તેના નેતાઓના મોં પર લગામ કસવા માગે છે. પાર્ટીએ આદેશ આપ્યો છે કે આ વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય જ બિસાહડાની મુલાકાત લઇ શકશે.
કોમી હિંસા સામે કડક હાથે કામ લેવા રાજ્યોને આદેશ
ધાર્મિક કટ્ટરવાદ સામે આકરો સંકેત આપતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને દેશના બિનસાંપ્રાદાયિક માળખાને નબળા બનાવવાના કોઇ પણ પ્રયાસ સામે કડક હાથે કામ લેવા અને કોઇની પણ શેહશરમ રાખ્યા વિના કોમવાદી તત્ત્વો સામે કાયદા મુજબ આકરાં પગલાં લેવાં જણાવ્યું છે.
દાદરીકાંડ : યુપી સરકારના રિપોર્ટમાં ગૌમાંસનો ઉલ્લેખ જ નહીં
દાદરીમાં કથિત ગૌમાંસ ખાવાના મામલે થયેલી હત્યાનો પ્રાથમિક અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રને મોકલી આપ્યો છે. યુપી સરકારે રિપોર્ટમાં જણાવ્યું છે કે જેની હત્યા પર પ્રતિબંધ છે તેવા પ્રાણીનું માંસ કથિત રીતે ખાવા માટે બિસાહડા ગામમાં ૫૦ વર્ષીય વ્યક્તિની હત્યા કરાઇ હતી. આમ રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં ગૌમાંસનો ઉલ્લેખ કરાયો જ નથી.
મહેશ શર્મા, સંગીત સોમ અને નસીમુદ્દીન સિદ્દિકી સામે કેસની તૈયારી
દાદરી પોલીસ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા, ભાજપના નેતા સંગીત સોમ અને બસપાના નેતા નસીમુદ્દીન સિદ્દિકી સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપવાના આરોપસર કેસ નોંધશે. દાદરી રૂરલ એસપી સંજય સિંહે જણાવ્યું હતું કે અમે આ ત્રણ નેતાઓએ પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કર્યું હોવાનો અહેવાલ પણ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. હિંદુ રક્ષક દળ વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક નિવેદનો માટે આઇપીસીની ધારા ૧૫૩એ અંતર્ગત કેસ નોંધાયો છે.
દાદરીમાં નોનવેજનું વેચાણ બંધ થઇ ગયું
ઇખલાકના મૃત્યુ બાદ દાદરી અને આસપાસના વિસ્તારોમાં માંસની દુકાનો અને નોનવેજ વાનગીઓ પીરસતી હોટેલોને તાળાં વાગી ગયાં છે. જો કે વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારનો કોઇ આદેશ અપાયો નથી.
મહારાષ્ટ્રમાં બીફ લઇ જતી વાન ફૂંકી મારી
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગૌમાંસ લઇ જતી વાનને રવિવારે મોડી રાત્રે સોથી વધારેના ટોળાંએ આગ ચાંપી હતી. લોકોને શંકા હતી કે આ વાનમાં બીફ લઇ જવાતું હતું. સોથી વધુ લોકોના ટોળાંએ વાન પર હુમલો કર્યો હતો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment